શિક્ષણ વિભાગનો એક નિર્ણય અને રાજ્યના 20 લાખથી વધુ પરિવારો દોડતાં થયાં

ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (12:17 IST)
રાજ્યના શિક્ષણ વિભાગના ઉતાવળિયા નિર્ણયનાં કારણે હેરાનગતિ આખરે વાલીઓ અને બાળકોને જ ભોગવવી પડે છે. આવો એક નિર્ણય હાલમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે જેના કારણે રાજ્યનાં 22 લાખ પરિવારને  દોડતા અને વિચારતા કરી મુક્યાં છે. જાણો એવો તે કેવો નિર્ણય લીધો શિક્ષણ વિભાગના અધિકારીઓ એ કે આખરે  વાલીઓ અને બાળકો એ ભોગવવું પડશે. નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરી દેવાશે. સામાન્ય રીતે નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી શરૂ થતું હતું. હવે નવું સત્ર 20 એપ્રિલથી શરૂ કરી 3 મેં સુધી ચાલશે અને 4 મેંથી ઉનાળુ વેકેશન શરૂ થશે જે 7 જુન સુધી રહેશે.
આ નિર્ણય એવો ઉતાવળિયો સાબિત થયો કે જેથી વાલીઓમાં રોષ ફેલાયો છે. આ નિર્ણયની સીધી અસર ઉત્તરભારતીય પરિવાર પર પડી છે. આમતો વેકેશન પડતા જ ઉત્તરભારતનાં પરિવારનાં લોકો પોતાના વતન જતા રહેતા હોય છે. આ વખતે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થતું હોય રાજ્યમાં વસતા 22 લાખ ઉત્તરભારતીય પરિવારને વિચારતા અને દોડતા કરી મૂક્યાં છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદનાં અગ્રણી મનોજભાઈએ જણાવ્યું કે, સરકારનાં નવા સત્રનાં આ નિર્ણયથી તેમને વતન જવાની ટિકિટ કેન્સલ કરાવી પડશે કે પછી બાળકોની રજા પાડીને પણ વતન જવું પડશે. ઉત્તર ભારત જવા માટે ટ્રેન માટેનું બુકિંગ 120 દિવસ પહેલા કરાવી પડે છે અને બુકિંગ શરૂ થયાનાં 2 કલાકમાં વેઈટિંગ આવી જતું હોય છે. તેવામાં મહામુસીબતે થયેલું બુકિંગ ફરી ક્યારે કનફોર્મ થશે તે નક્કી હોતું નથી.
વાલીઓ પણ માને છે કે, સરકારે આ નિર્ણય લેતા પહેલા સમય આપવાની જરૂર હતી. કે પછી નિર્ણયનું અમલીકરણ આવતા વર્ષે કરવાનું હતું. આ તો ઉત્તરભારતીય પરિવારની જ વાત  થઇ આવી જ રીતે ગુજરાતનાં પણ ઘણા પરિવાર વેકેશનમાં વતન કે પ્રવાસ જતા હોય છે. જો એવા લોકોએ પ્રવાસનું બુકિંગ કરાવી લીધું હશે તો તેમને યા તો પ્રવાસ કેન્સલ કરવો પડશે કે સ્કૂલમાં રજા પાડવી પડશે. મહત્વનું છે કે, શિક્ષણ વિભાગે લીધેલો આ ઉતાવળિયો નિર્ણય પહેલી વાર નથી. આ પહેલા પણ નવરાત્રીનાં વેકેશનમાં પણ આ જ પ્રકારે નિર્ણય લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. જેના પગલે આખરે સરકારે નિર્ણય પાછો લેવો પડ્યો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર