દિવાળીને કારણે ફ્લાઈટનાં ભાડાં 3 ગણાં વધ્યાં, અમદાવાદ-શ્રીનગરનું ભાડું 40 હજાર

ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (09:48 IST)
દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ફરવા જવાનું પ્લાનિંગ કરી લીધું છે, જેના કારણે ફ્લાઈટના ભાડા 3 ગણા સુધી વધી ગયા છે. અમદાવાદ-શ્રીનગરનું રેગ્યુલર ભાડું 12થી 15 હજારને બદલે 35 હજારથી 40 હજારે પહોંચી ગયું છે. જ્યારે માલદિવનું 36 હજાર, દુબઈનું 45 હજાર અને ગોવાનું ભાડું 18 હજાર થયું છે. ગુજરાતના પર્યટન સ્થળો ઉપરાંત ઉત્તરના રાજ્યો માટે લોકોએ બુકિંગ કરાવ્યું છે. આ ઉપરાંત હાલમાં દક્ષિણ ભારતના પર્યટન સ્થળો લોકો માટે ખુલ્લા મુકાયા નથી. ગોવા સહિત ઉત્તર ભારતના પર્યટન સ્થળોએ જવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના ટૂરિસ્ટ સ્થળોએ જવા માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકોના સતત ધસારાના પગલે અમદાવાદથી ગોવા અને અન્ય ટૂરિસ્ટ સ્થળોએ જવા માટે અત્યારથી જ ફ્લાઈટના ભાડા બેથી ત્રણગણા વધી ગયા છે. જ્યારે ગુજરાતના ટુરિસ્ટ સ્થળો લગભગ હાઉસફુલ થઈ ગયા હોવાનું ટૂર ઓપરેટરોએ જણાવ્યું હતું. દિવાળીના તહેવારો દરમિયાન 1 નવેમ્બરથી લગભગ એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ રણોત્સવ, દ્વારકા, સોમનાથ, દીવ, સાસણ ગીર જેવા ટૂરિસ્ટ સ્થળો હાઉસફુલ થઈ ગયા છે. આ તમામ સ્થળોએ જવા માટે મોટાભાગના લોકો ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. એજ રીતે નજીકના અન્ય સ્થળોમાં રાજસ્થાનના જોધપુર, જેસલમેર, ભરતપુર, કુંભલગઢ, ઉદયપુર, માઉન્ટ આબુ જેવા સ્થળોની ડિમાંડ વધુ છે, જ્યાં રોડ કનેક્ટિવિટી ખૂબ સારી હોવાથી લોકોએ પર્સનલ વાહન દ્વારા ફરવા જવાનું આયોજન કર્યું છે. તેમ ટૂર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું હતું. જ્યારે આ વખતે દક્ષિણ ભારત બંધ હોવાની સાથે વિદેશ ફરવા જતા લોકો માટે પણ વધુ વિકલ્પ ન હોવાના કારણે મધ્યપ્રદેશના પંચમઢી, કાન્હા, જબલપુર, ખજુરાહો જેવા સ્થળોની સાથે પૂર્વોત્તર રાજ્યો આસામમાં ગુવાહાટી, કાઝીરંગા નેશનલ પાર્ક, મેઘાલયમાં શિલોંગ, ચેરાપુંજી તેમજ અરૂણાચલ પ્રદેશમાં તવાંગ, ભાલૂપોંગ સહિત અન્ય સ્થળો માટે મોટી સંખ્યામાં લોકોએ બુકિંગ કરાવ્યું છે. અમદાવાદથી બુકિંગ કરાવનારા ટુરિસ્ટોમાં 25 ટકાથી વધુ લોકોએ નવા ડેસ્ટિનેશન માટે બુકિંગ કરાવ્યું છે. અન્ય એક ટૂર ઓપરેટર શૈલેષ અગ્રવાલે જણાવ્યું કે, ઉત્તર ભારતમાં વૈષ્ણોદેવી, કાશ્મીર ઉપરાંત કુલુ-મનાલી, સિમલા, ધર્મશાલા સહિત ઉત્તરાખંડના સ્થળોની પણ ડિમાંડ જોવા મળી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર