મહિલાને ફાંસીની સજા - એક વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં યુવતીને મૃત્યુદંડની સજા

ગુરુવાર, 15 માર્ચ 2018 (19:58 IST)
ઘરકામ કરવા બાબતે માતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને પોતાની બે સગી બહેનો અને માતા પર તલવારથી ઘાતક હુમલો કરી માતા અને એક બહેનની હત્યા કરવાનાં ગાંધીધામના નવી સુંદરપુરીના ગત વર્ષના ચકચારી કેસમાં આજે ગાંધીધામના એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે મંજુબેન કસ્તુરભાઈ ડુંગરીયા(દેવીપૂજક) નામની યુવતીને આઈપીસી 302 હેઠળ દોષી ઠેરવી દેહાંત દંડની સજા ફટકારી છે. ગત 17મી ફેબ્રુઆરી 2017નાં રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં પરોઢે પાંચ વાગ્યે ઘરની અંદર પુત્રીએ તલવારથી કરેલાં ડબલ મર્ડરની ઘટનાએ ભારે ચકચાર સર્જી હતી.
 
આજે એક વર્ષ બાદ ગાંધીધામ કોર્ટે આ હત્યાકાંડને રેરેસ્ટ ઑફ રેર કેસ ગણી આરોપીને મૃત્યુદંડની સજા ફટકારતાં આ ચુકાદાના સમાચાર સમગ્ર કચ્છભરમાં વાયુવેગે ફેલાઈ ગયાં છે. આરોપી મંજુબેન ડુંગરીયાને આગલા દિવસની સાંજે તેની માતા રાજીબેને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકા સામે મંજુએ ગાળાગાળી કરતાં માતાએ તેને થપ્પડ ઝીકીં દીધી હતી. ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો. પરિવારના સહુ સભ્યો જમી પરિવારીને સૂઈ ગયાં હતા. મંજુનો ભાઈ વિજય ઘરની બહાર સૂઈ ગયો હતો. જ્યારે, માતા રાજીબેન(ઉ.વ.60) અને તેમની ત્રણ પુત્રી આરતી (ઉ.વ.27), મંજુ અને મધુ ઘરમાં એકમેક પાસે સૂઈ ગયાં હતા. માતાએ આપેલાં ઠપકાનો રોષ મંજુના મનમાં આખી રાત ઘુંટાતો રહ્યો હતો અને વહેલી પરોઢે પાંચ વાગ્યે સહુ નિંદ્રાધીન હતા તે સમયે મંજુએ ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ રાજીબેને બચવા માટે બુમાબુમ કરતાં ઘર બહાર સૂઈ રહેલો પુત્ર વિજય જાગી ગયો હતો. તે દોડીને તુરંત ઘરમાં ગયો તો ત્યારે તેણે મંજૂને ઘરમાં ખુનની હોળી ખેલતી જોઈ હતી. માતા બાદ મધુ અને આરતી પર મંજુને તલવારના ઘા મારતી જોઈને વિજયે બુમાબુમ કરી મુકતાં અડોશપડોશના લોકો જાગી ગયાં હતા અને તેમણે ઘાયલ માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યાં હતા. ટૂંકી સારવાર બાદ રાજીબેન અને આરતી મૃત્યુ પામ્યાં હતા. હત્યા કેસમાં પોલીસે મંજુની તરત જ ધરપકડ કરી લીધી હતી.
 
 આ મર્ડર કેસમાં આજે 22 સાક્ષીઓ, 42 દસ્તાવેજી પૂરાવા તેમજ સરકારી સાહેદો અને સાંયોગિક પૂરાવાના આધારે કોર્ટે આરોપી મંજૂને કસૂરવાર ઠેરવી સજા-એ-મોત સંભળાવી છે. એક વર્ષ જૂના આ હત્યા કેસમાં આરોપીના સગા-સંબંધી થતાં હોય તેવા કેટલાંક સાક્ષીઓ ફરી ગયાં હતા. જો કે, સરકારી વકીલ હિતેષીબેન ગઢવી દ્વારા કરાયેલી મજબૂત દલીલો, સરકારી સાહેદોની જુબાની વગેરે ધ્યાને રાખી એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે આજે મંજુબેનને આઈપીસી 302 હેઠળ મૃત્યુદંડ અને આઈપીસી 307 હેઠળ 5 વર્ષની સજા તેમજ 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર