વીડિયો શેરિંગ વેબસાઈટ પર ‘ગુજ્જુભાઈ- મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મ લીક થઈ ગઈ

બુધવાર, 14 માર્ચ 2018 (13:29 IST)
ફિલ્મની પાઈરસીની સમસ્યા ગુજરાતી ફિલ્મો માટે પણ એક મોટો પડકાર છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ-મોસ્ટ વોન્ટેડ ઓનલાઈન લીક થઈ ગઈ છે.  વીડિયો શેરિંગ વેબસાઈટ પર ફિલ્મના લગભગ 50 જેટલા વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાંથી 48 વીડિયોને રિપોર્ટ કરીને ઉતારી લેવામાં આવ્યા છે.ફિલ્મના ડિરેક્ટર ઈશાન રાંદેરિયા કહે છે કે, રવિવારે મોડી રાતે મને ખબર પડી કે ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે અને વીડિયો 2 કલાકથી વધારે લાંબો છે.

  રેકોર્ડિંગ મોબાઈલ ફોનમાં કરવામાં આવ્યુ હતું. બની શકે કે કોઈને આ ફિલ્મ એટલી બધી ગમી હોય કે તે વ્યક્તિ ઈચ્છતી હશે કે બીજા ઘણાં લોકો આ ફિલ્મ જુએ. પરંતુ આમ કરનારે એક વાર પણ વિચાર નહીં કર્યો હોય કે આનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને કેટલું નુકસાન થશે.  અત્યારે ઉપલબ્ધ બે વીડિયો વિષે ઈશાન કહે છે કે, અમે એક એજન્સી હાયર કરી છે જે આ મેટર પર કામ કરી રહી છે. અમે લોકો વેબસાઈટના પણ સંપર્કમાં છીએ અને બાકીના બે વીડિયોને પણ ટુંક સમયમાં હટાવી લેવામાં આવશે. હું ઓડિયન્સને કહેવા માંગુ છું કે તમને ફિલ્મ પસંદ આવી હોય તો તમારા પ્રેમને અન્ય રીતે વ્યક્ત કરી શકો છો. 

ફિલ્મના પ્રોડ્યુસર જયંતિલાલ ગડા જણાવે છે કે, અમે લોકો ફિલ્મની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત હોવાને કારણે એક દિવસ મોડા પડ્યા. પરંતુ મોટાભાગની લિંક વેબસાઈટ પરથી ઉતારી લેવામાં આવી છે, જ્યારે બે મેજર લિંક્સ હજી પણ વેબસાઈટ પર છે. તમે આવી ક્વૉલિટીમાં ફિલ્મની મજા પૂરી રીતે ન માણી શકો. અને મને નથી લાગતું કે ગુજરાતની ઓડિયન્સ એક ફિલ્મ માટે 150 રુપિયા અફોર્ડ ન કરી શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર