અમદાવાદમાં નશાના વેપલાનો પર્દાફાશ, નશો કરવા માટે વપરાતી ગોળીઓ જપ્ત કરી

શનિવાર, 4 નવેમ્બર 2023 (13:53 IST)
Drug racket busted in Ahmedabad
અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં ડ્રગ્સના સેવનની સાથે નશાકારક પ્રતિબંધિત દવાઓનો પણ વેપલો ધમધમી રહ્યો હોવાનું સામે આવતું રહે છે.. ત્યારે અમદાવાદમાં નશા માટે ઉપયોગમાં લેવાતી અને સસ્તા દરની દવાઓના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી કરતા સગા ભાઇ-બહેનની SOG પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાનકાર દવાઓ વેચી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.

સસ્તા નશા તરીકે ખુબ જ પ્રખ્યાત આ દવાનું વેચાણ કરતા સુરજભાન રાજપૂત અને રૂક્ષ્મણી  રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું કે એકી સાથે ચાર-પાંચ ગોળીઓ લેવાથી નશા સાથે ઘેન ચડે છે અને મગજને શાંત કરતી દવાઓના ભારે ડોઝથી નશો પણ ચડે છે. વધુમાં હેરોઇન ડ્રગ જેવી અસર કરતી આ દવાઓની ઘાતક ન્યુરોલોજિકલ અસર થાય છે. એટલું જ નહીં વ્યક્તિ એકથી 2 દિવસ સુધી ઘેનમાં રહે છે. આ સસ્તી દવાઓના ભારે પ્રમાણમાં સેવનની ગંભીર માનસિક અસર થતી હોવાનું પણ બહાર આવ્યું છે.

SOG પોલીસે આરોપીઓની તપાસમાં 30 હજાર નશાકારક ટેબલેટ કબ્જે કરી છે. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ નશાકારક દવાઓનો મોટેભાગે શ્રમિકો અને રીક્ષાચાલકો ઉપયોગ કરતા હતા. આ દવાના એકી સાથે ત્રણથી ચાર ગોળીઓ ગળવામાં આવે તો નશો થતો હોવાથી મોટાપાયે દવાનો વેપલો ચાલી રહ્યો હતો. માત્ર 35 રૂપિયામાં નશો આપતી આ દવાને જપ્ત કરી પોલીસે તપાસ કરતાં ઝડપાયેલા ભાઇ-બહેન અસારવાથી રવિ નામના યુવક પાસેથી ખરીદતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ તમામ દવાઓનું બિલ વિના મેડિકલ સ્ટોરથી વેચાણ કરવામાં આવતું હોવાનું આરોપીઓએ સ્વિકાર કર્યું છે.સમગ્ર મામલે પોલીસે આ દવાઓ કોણ કોણ બિલ વિના વેચાણ કરી રહ્યું છે તેને લઇને તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર