ગુજરાતમાં ડેન્ગ્યુના કુલ 5,961 કેસ, 8 લોકોના મોત

બુધવાર, 16 ઑક્ટોબર 2019 (12:12 IST)
ગુજરાતમાં ચાલુ વર્ષે 140 ટકાથી વધુ વરસાદ પડવાને કારણે મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના કેસોમાં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 75 ટકાનો વધારો છે જ્યારે અમદાવાદમાં 120 ટકા અને આણંદમાં તો 300 ટકાનો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં ડેન્ગ્યુના 5961 પોઝીટીવ કેસો નોંધાયા છે જ્યારે કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. ગત વર્ષે 3392 કેસ નોંધાયા હતા.
ચાલુ વર્ષે 14 ઓક્ટોબરની સ્થિતિએ રાજ્યમાં ડેન્ગ્યૂ શંકાસ્પદ જણાતા 75932 સિરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 5961 કેસ પોઝીટીવ આવ્યા હતા. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, રાજકોટ, દ્વારકા, કચ્છ અને અમરેલી એમ સાત જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જોકે હવે ડેન્ગ્યુના કેસોની સંખ્યા ઘટી રહી છે.
ડેન્ગ્યુના રોગચાળા પર નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે જેમાં રાજ્યની 97 ટકા વસ્તી આવરી લેવામાં આવી છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં 235 વેક્ટર કંટ્રોલ ટીમો કાર્યરત કરાઇ છે. 46 જેટલા કેન્દ્રો ખાતે ડેન્ગ્યુના વિનામૂલ્યે નિદાનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં જિલ્લા મેલેરિયા અધિકારીને પ્રતિનિયુક્તિ પર મૂકાયા છે.
રાજ્યભરમાં આ ચોમાસામાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આ ચોમાસે 142 ટકા વરસાદ નોંધાયો હતો. જેના કારણે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ 182 ટકા વરસાદ નોંધાયો હતો. અને રાજ્યમાં ડેંગ્યુના સૌથી વધુ 595 કન્ફર્મ કેસ પણ જામનગરમાં જ નોંધાયા હતા. 
રાજ્યમાં 14 ઓક્ટોબર સુધીમાં મેલેરિયાના 10,999 કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયા એટલે કે ફાલ્સીપેરમના 540 કેસ નોંધાયા છે. મેલેરિયા માટે કુલ 1.24 કરોડ ટેસ્ટ કરાયા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે મેલેરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ 48.3 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે મેલેરિયાના 18,984 કેસ નોંધાયા હતા. વધુ જોખમી જણાયેલા 18.6 લાખની વસ્તિને આવરી લેતા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. 4.40 લાખ મચ્છરદાનીનું વિતરણ કરાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર