સરકારના વાયદાઓ પુરા નહીં થતાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો - ઉનાકાંડ પીડિત

સોમવાર, 30 એપ્રિલ 2018 (11:53 IST)
ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારને દોઢેક વર્ષ પૂર્વે ગૌ-રક્ષકોએ બેરહેમીથી માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. જે-તે સમયે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને સકંજામાં લેવાયા હતા. જો કે હાલ આરોપીઓ જામીન મુક્ત છે. જેને લઈને ઉનાના પીડિત પરિવાર સહિત 300 લોકોએ આજે બુદ્ધ પૂર્ણિમાંના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. સરકારે આપેલા વચનો પૂરા ન થતા બાબા સાહેબની જેમ હિન્દુધર્મને છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાનું પીડિત પરિવારના બાલુભાઇ સરવૈયા અને રમેશભાઇએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, સરકારે અમને કોઈ ન્યાય આપ્યો નથી. આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. હવે હિન્દુ ધર્મમાં રહેવાનો કોઇ ફાયદો નથી. જેથી અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આજરોજ સમઢીયાળા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં અમારી સાથે 300 થી વધુ દલિત લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. આ માટે જરૂરી સરકારી કાર્યવાહી અગાઉ જ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ અમે ગામ લોકો સાથે હળીમળીને જ રહ્યા છીએ અને આગળ પણ રહીશું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર