ઓછા ઉત્પાદનને કારણે કચ્છની કેસર કેરી દાંત ખાટા કરશે:

શનિવાર, 28 એપ્રિલ 2018 (15:54 IST)
કચ્છની કેસર કેરીના આ વખતે ઉત્પાદનમાં પાંચ-દસ ટકા નહીં પરંતુ 40 ટકા જેટલો જંગી ઘટાડો થવાની શક્યતા છે. માંડવી તાલુકાના મઉ ગામના ખેડુતના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે કચ્છમાંથી 91 હજાર મેટ્રિક ટન કેસર કેરીનો ફાલ ઉતર્યો હતો. પરંતુ આ વર્ષે સરેરાશ ફાલમાં 40 ટકાનો જંગી ઘટાડો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ ઓક્ટોબર-નવેમ્બર અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાતાવરણની વિષમતા જોવા મળી હતી. અને સામાન્ય રીતે કચ્છની કેસર કેરીને ઓક્ટોબર-નવેમ્બરમાં ફૂલ (મોર) બેસતાં હોય છે.

એ જ રીતે, જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં મોર નીકળતાં હોય છે. આ વર્ષે આ ચારેય મહિના દરમિયાન ગરમી અને ઠંડીની ભારે વિષમતા રહી છે. પરિણામે, ફ્લાવરીંગ ઓછું થતાં કેસરનો ફાલ ઘટ્યો છે. ફ્લાવરીંગ ઓછું થવાના કારણે જે કેસર કેરી ઉગી છે તેની ગુણવતા ખૂબ સારી છે પરંતુ, અગાઉના વર્ષોની તુલનાએ ભાવ ઊંચા રહેશે. સામાન્ય રીતે, ગીર-તાલાલા કે વલસાડની કેરીની સીઝન પૂરી થવા આવે ત્યારે કચ્છની કેસરનું આગમન થાય છે. મેના અંતિમ સપ્તાહથી લઈ જૂનના અંતિમ પખવાડિયા સુધી કેસર પુષ્કળ પ્રમાણમાં બજારમાં ઠલવાય છે. કચ્છના વાતાવરણ અને જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેતું હોઈ કુદરતી રીતે જ કચ્છની કેસર કેરીમાં સુગર એસીડ બ્લેન્ડ સૌથી વિશિષ્ટ રહે છે. એટલે કે, અન્ય વિસ્તારોની કેરીની તુલનાએ કચ્છી કેસરમાં નહિવત ખટાશ હોય છે. કેરી મીઠી અને રસાળ હોય છે. સામાન્ય રીતે, કેસર કેરીનો બાહ્ય દેખાવ લીલોછમ્મ હોય છે. પરંતુ, કચ્છની કેસરનો બાહ્ય દેખાવ થોડીઘણી રતાશ કે પીળાશ ધરાવતો હોય છે. કચ્છના મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતરના બદલે સજીવ ખાતર દ્વારા ઓર્ગેનીક રીતે કેસર પકવતાં હોઈ પ્રાકૃતિક રીતે તે પણ તે અન્ય વિસ્તારની કેરીઓની તુલનાએ વિશિષ્ટ બની રહે છે. આ બાબતને જિલ્લા બાગાયત અધિકારી ડૉ.ફાલ્ગુન મોઢે સમર્થન આપ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર