વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને 8 જિલ્લાના ૧6 હજારથી વધુ લોકોને મોડી સાંજ સુધીમાં સલામત સ્થળે ખસેડાયા

બુધવાર, 3 જૂન 2020 (08:05 IST)
વાવાઝોડું આજે તારીખ ૩જી જુન ને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાવની સંભાવના છે. જેના પગલે દરિયાકાંઠાના સંભવિત દક્ષિણ  ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જીલ્લાના 16,597 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા હોવાનું રાહત કમિશનર હર્ષદભાઇ પટેલે છે. 
 
નિસર્ગ વાવાઝોડા સંદર્ભે દરિયાકિનારાથી ત્રણ કિલોમીટર સુધી આવેલા ગામો/બેટની સ્થળાંતરની વિગતો આપતા જણાવ્યું કે રાજ્યના સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ભાવનગર, આણંદ, અમરેલી અને ગીર સોમનાથ એમ કુલ આઠ જેટલા દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના 21 તાલુકાઓના 167 
ગામ/બેટની કુલ વસ્તી 5,79,906 છે જેમાંથી 34,885 લોકોનું સ્થળાંતર કરવાની આવશ્યકતા છે તેમાંથી અત્યાર સુધીમાં 16,597 લોકોને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા આયોજન બદ્ધ રીતે 265 જેટલા સલામત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત સ્થળાંતર સહિતની કામગીરીમાં લઈને પહોંચી વળવા 
વહીવટીતંત્રને પૂરતો સહકાર અને સહયોગ આપવા પણ લોકોને અપીલ કરી છે.
 
અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય નું અને જિલ્લાનું વહીવટીતંત્ર સુસજ્જ છે. રાજ્યના કંટ્રોલરૂમ ખાતેથી અસરગ્રસ્ત જિલ્લાના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્ક કરીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના 
પવનની તીવ્રતાને ધ્યાને લઇને જરૂર જણાય તો હાઇવોલ્ટેજ લાઈનો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શમાં રહીને બંધ કરવા પણ સૂચના આપી દેવાઇ છે. એ જ રીતે અસરગ્રસ્ત વિસ્તારની એરપોર્ટ ઓથોરિટીને વાવાઝોડાને લાગત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ માછીમારો પણ સરકારની મંજૂરી સિવાય દરિયો ખેડે નહીં તે માટે ફિશરીઝ અને મેરીટાઈમ બોર્ડને સૂચના આપવામાં આવી છે.
 
તેમણે કહ્યું કે, કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઇ સ્થળાંતરની કામગીરી જોડાયેલી રેસ્ક્યુ ટીમોને પીપીઈ કીટથી સજ્જ કરી, નિયત કરાયેલા આશ્રયસ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન સહિતની તકેદારી રાખવા પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં બચાવ કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યના સંબંધિત જિલ્લાઓમાં SDRFની ૬ ટીમ અને NDRFની ૧૩ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ પાંચ ટીમ એરલિફ્ટ કરવામાં આવશે. 
 
સંભવિત વાવાઝોડાને પગલે રાહત-બચાવની કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યમાં N.D.R.Fની કુલ ૧૩ ટીમો તૈનાત કરી હોવાનું જણાવી શ્રી પટેલે ઉમેર્યું હતુ કે, તે પૈકી ૧૦ ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ ખાતે ૨ તથા નવસારી, ભરૂચ, સુરત, આણંદ, ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતે ૧-૧ ટીમ તૈનાત કરવામાં આવી છે. જયારે ૩ ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત વધુ પાંચ .D.R.Fની ટીમો એરલિફ્ટ કરવામાં આવનાર છે. એટલું જ નહીં S.D.R.Fની પણ કુલ ૬ ટીમ તૈનાત છે. જેમાં નવસારી, ભાવનગર, વલસાડ, ભરૂચ, સુરત અને અમરેલી ખાતે એક-એક ટીમ તૈનાત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર