વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ, NDRFની ૧૦ અને SDRFની ૫ ટીમ તૈનાત

સોમવાર, 1 જૂન 2020 (16:08 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બચાવ, સુરક્ષાત્મક પગલાંઓ માટેની સંબંધિત જિલ્લાતંત્રોની અને રાજ્ય સરકારની તૈયારીઓ તથા સજ્જતા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
 
મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબંધિત જિલ્લાના કલેકટરો પાસેથી પરિસ્થિતીનો જાયજો મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. ૩ જૂને દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના નીચાળવાણા વિસ્તારમાં વાવાઝોડાના કારણે પ્રતિ કલાક ૯૦ થી ૧૧૦ કિ.મી.ના ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
 
આ સ્થિતિને પહોંચી વળવા વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં NDRFની ૧૦ અને SDRFની ૫ ટીમ તહેનાત છે તેમજ જરૂર પડયેથી વધુ ટીમો પણ નજીકના વિસ્તારમાં અનામત રાખવામાં આવી છે. જે ત્વરિત બચાવ રાહત માટે જરૂરીયાત મુજબ પહોચાડી દેવાશે.
 
મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના લોકોને તા. ૩ અને ૪ જૂને જરૂર વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. જેમાં ખાસ કરીને ગંભીર રોગથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોની આ પરિસ્થિતિમાં ખૂબ કાળજી રાખવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
દરિયા કિનારા વિસ્તારોમાં માછીમારી કરતાં માછીમારો, ઝીંગા ફાર્મમાં કામ કરતાં લોકો તેમજ અગરિયાઓ સહિતના નીચાણવાળા વિસ્તારોમા રહેતાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી આવતીકાલ મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા સંબંધિત જિલ્લાઓ કલેકટર્સને સૂચના આપી હતી.
 
તેમણે સ્પષ્ટપણે તાકીદ કરી કે આવા સ્થળાંતર દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, માસ્કનો ફરજીયાત ઉપયોગ થાય તેની કાળજી લઇને કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે તે કલેકટરો અને આરોગ્ય વિભાગ સુનિશ્ચિત કરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર