cyclone Mocha- બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 'મોકા' વાવાઝોડું ગુજરાતમાં આવશે?

મંગળવાર, 9 મે 2023 (08:50 IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે, ક્યારે વરસાદ તો ક્યારે ગરમી. આ વખતે ઉનાળામાં ગત વર્ષ જેવી ગરમી પણ નોંધાઈ નથી.
 
ત્યારે હવે બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌપ્રથમ વાવાઝોડું સર્જાશે, ચોમાસા પહેલાં જ ખાડીમાં ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે. એટલે કે વાવાઝોડું બને એ પહેલાં દરિયામાં સિસ્ટમ બની ચૂકી છે.
 
ચોમાસા પહેલાં સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં આવેલાં વાવાઝોડાંએ વિનાશ વેર્યાના અનેક દાખલા પણ છે.
 
સોમવારે બંગાળની ખાડીમાં સિસ્ટમ વધારે મજબૂત બનશે અને તેમાંથી લૉ પ્રેશર એરિયા બનશે. જેના કારણે કેટલાક વિસ્તારો પર તેની અસર વર્તાવાની શરૂઆત થવાની શક્યતા છે.
 
'મોકા' વાવાઝોડું કઈ તરફ જશે?
બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે ત્રણ દેશોને અસર કરતાં હોય છે. ખાડીમાં બનતાં વાવાઝોડાં ભારત, બાંગ્લાદેશ કે મ્યાનમાર પર ત્રાટકતાં હોય છે.
 
આ વાવાઝોડું હજી ક્યાં ટકરાશે તેની કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. વાવાઝોડું કઈ તરફ જશે તે વિવિધ વેધર મૉડલોના આધારે નક્કી થતું હોય છે. જોકે, વિશ્વભરનાં આ મૉડલો વાવાઝોડાનો જુદો જુદો માર્ગ દર્શાવી રહ્યાં છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત થઈને લૉ પ્રેશર એરિયા બને તે બાદ જ ખબર પડશે કે વાવાઝોડું કયા વિસ્તારો તરફ જશે.
 
વિવિધ મૉડલો જે દર્શાવી રહ્યાં છે તે મુજબ હાલ મ્યાનમાર પર ખતરો તોળાઈ રહ્યો છે એટલે કે વાવાઝોડું તે તરફ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
જોકે, ઉનાળામાં સર્જાતાં વાવાઝોડાનો માર્ગ પહેલાંથી નક્કી કરવો ખૂબ મુશ્કેલ હોય છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે વાવાઝોડું સર્જાયા બાદ તેનો માર્ગ ફરી બદલાયો હોય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર