ગુજરાત પર રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બનશે, સૌરાષ્ટ્ર-કચ્છ પર ખતરો, વરસાદ અને પવનની ગતિ વધશે?

શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (07:30 IST)
હવામાન વિભાગે નવી આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત પર ધીરેધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે. આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે.
 
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પરથી જે સિસ્ટમ ખૂબ ધીમે આગળ વધી રહી છે તે ડીપ ડિપ્રેશન છે. જે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે અને દરિયામાં પહોંચ્યા બાદ તે વધારે તીવ્ર બનવાની સંભાવના દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયાકિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
 
બંગાળની ખાડીમાંથી લૉ-પ્રેશર એરિયા બનીને આગળ વધેલી આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને તીવ્ર બની હતી અને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. જે બાદ રાજસ્થાન પર પહોંચીને તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી.
 
આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે.
 
વાવાઝોડું બનશે તો ગુજરાતને કેવી અસર કરશે?
હાલ આ સિસ્ટમ કચ્છના વિસ્તારો પર છે અને ત્યાંથી આગળ વધીને તે પાકિસ્તાન, કચ્છ અને સૌરાષ્ટ્ર પાસેના દરિયામાં જશે અને દરિયામાં ગયા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28 ઑગસ્ટની રાત્રે આ સિસ્ટમ ખૂબ જ ધીમે આગળ વધી છે અને 6 કલાકમાં માત્ર 3 કિમી જેટલું આગળ વધી છે. હવે આ સિસ્ટમ 30 ઑગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે.
 
પહેલાં એવું અનુમાન હતું કે આ સિસ્ટમ 29 ઑગસ્ટના રોજ સવારે અરબી સમુદ્રમાં પહોંચી જશે, પરંતુ આગળ વધતા અટકી જવાને કારણે હવે એક દિવસ મોડી અરબી સમુદ્રમાં પહોંચશે.
 
આ સિસ્ટમ આગામી બે દિવસો સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને તે ગુજરાતના દરિયાકિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી.
 
જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લામાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 29 અને 30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 55થી 65 કિમી પ્રતિકલાક અને વધીને 65 કિમી પ્રતિકલાક સુધી પહોંચે તેવી સંભાવના છે.
 
જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 75 કિમી પ્રતિકલાકની ઝડપ સુધી પહોંચે તેવી સંભાવના છે. એકાદ દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પવનની ગતિ 85 કિમી પ્રતિકલાકની ઝડપે પહોંચે તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ આજે દરિયામાં પહોંચી ગઈ હોત તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો તથા ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના હતી.
 
જોકે, હાલ હજી એકાદ દિવસ સુધી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર રહેવાની હોવાથી આગામી બેથી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 અને 30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થવાની સંભાવના છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે.
 
ગુજરાત પરની આ સિસ્ટમ આગળ વધીને વાવાઝોડું બને તો પણ તેની વધારે અસર ગુજરાતને થવાની સંભાવના નથી, કારણ કે આ સિસ્ટમ ગુજરાતથી દૂર દરિયામાં જશે. આગામી બેથી ત્રણ દિવસોમાં સિસ્ટમની અસર ગુજરાત પર ઓછી થવાની સંભાવના દેખાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર