અમદાવાદમાં સ્કૂલના મેનેજરે વડોદરાની મહિલાને ફેસબુક પર મેસેજ કરી બિભત્સ માંગ કરી

શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (11:54 IST)
વડોદરા શહેરમાં રહેતી એક મહિલાને અમદાવાદના SG હાઇવે પર આવેલી એક જાણીતી સ્કૂલના મેનેજરે ફેસબુક પર મિત્રતા કરી હતી. મિત્રતા કર્યા બાદ મેનેજરે તેની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરતા મહિલાએ તેને બ્લોક કર્યો હતો. બ્લોક કરવા છતાં નવું આઈડી બનાવી ફરીથી મેસેજ કરવા લાગતાં મહિલાએ અમદાવાદ આવીને તેની સામે કાર્યવાહી કરવા મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ સાથે આ મહિલા તે શખ્સ પાસે ગઈ હતી પરંતુ ફેસબુકથી હેરાન કરવાવાળો પોતે નથી કહી માન્યું ન હતું. જેથી મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

આ મામલે સોલા પોલીસ સ્ટેશનના PI જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે મહિલાને ફેસબુક પર હેરાન કરવા મામલે કોઇ અરજી મારા ધ્યાન પર આવી નથી.વડોદરાની 35 વર્ષીય આ મહિલાને ફેસબુક પર એક વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં તેણે એક્સેપટ કરી હતી. બાદમાં તેઓ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. મિત્ર તરીકે વાત કરતા કરતા ગાળાગાળી અને શારીરિક સંબંધ બાંધવાની વાત કરવા લાગ્યો હતો. અમદાવાદમાં રહેતો આ વ્યક્તિ કોણ છે તે જાણવા માટે મહિલાએ વાતચીત શરૂ રાખી હતી. જો કે વાતચીત કરનાર વ્યક્તિ અમદાવાદ મળવા આવવા ખૂબ જ દબાણ કરતો હોવાથી મહિલાએ છેવટે મહિલા હેલ્પલાઈનની મદદ લઇ તેને મેસેજ બંધ કરવા બ્લોક કર્યો હતો. 

બે દિવસ પહેલા જ ફરીથી તે વ્યક્તિએ મહિલાને બીજા નામથી ફેસબુક આઈડી બનાવી અને મેસેજ કર્યો હતો. જેથી મહિલા ખૂબ જ ગુસ્સે થઈ હતી અને તેને સબક શીખવાડવા અમદાવાદ આવી હતી. ફેસબુકમાં રહેલી વિગત અને સરનામા પરથી જાણવા મળ્યું હતું કે SG હાઇવે પર આવેલી એક પ્રખ્યાત સ્કૂલમાં મેનેજરના હોદા પર છે જેથી મહિલા હેલ્પલાઇનને ફોન કરી જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ તેની પાસે આ જ વ્યક્તિ મેસેજ કરી હેરાન કરતા હોવાના પુરાવા આપ્યા છતાં તે વ્યક્તિ પોતાનો ગુનો કબુલતો ન હતો. જેથી મહિલાએ સબક શીખવાડવા માટે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જો કે સોલા પોલીસમાં આવી કોઈ અરજી ન થઈ હોવાનું PIએ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર