કોરોના દર્દીઓની સાર સંભાળ માટે સ્વામિનારાયણ મંદિર કોવિડ સેન્ટરમાં ફેરવાયું

ગુરુવાર, 22 એપ્રિલ 2021 (19:13 IST)
ગુજરાતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સંક્રમિતોની સંખ્યા સતત વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવીને લોકોની મદદ કરી રહી છે. ત્યારે લોકોને ધર્મના બદલે માનવધર્મ નિભાવી રહ્યા છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ વૈશ્વિક મહામારી સામે લડવા રાજ્ય સરકાર અને પ્રશાસન બાથ ભીડી રહ્યું છે અને તેમાં ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનોનો આગળ આવી રહ્યા છે.
 
હાલમાં કોરોનાની મહામારી સામે લડવા માટે લોકો હિંદુ- મુસ્લિમ-શીખ-ઇસાઇ જેવા ધર્મના વાડા ઓળંગીને માનવતાના તરફ આગળ વધી રહ્યા છે. મંદિર અને મસ્જિદોમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરામાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે 50 બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. કોરોના સામેની લડાઇમાં સરકારની સાથે ધાર્મિક સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. 
 
રાજ્ય સરકારની મંજુરીથી ચાલતા કોવીડ આઈસોલેશન સેન્ટરમાં વડોદરાની પ્રસિધ્ધ જાહ્નવી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમના સહયોગથી કોરોના દર્દીઓને અસરકારક અને સુદ્રઢ સારવાર મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. 
શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા ખાતે સંસ્થા દ્વારા સંપૂર્ણ હવા ઉજાસ વાળા સુવિધા સંપન્ન બિલ્ડીંગમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. 
 
જેમાં વડોદરાની પ્રસિધ્ધ જાહ્નવી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દર્દીઓને સારવાર આપી રહી છે. મંદિરના સંત જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સંતો દ્વારા દર્દીઓને હૂંફ-બળ અને પ્રોત્સાહન પુરૂ પાડવા સાથે તેમની સાથે સંવાદ પણ કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના દર્દીની ઝડપથી સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડી ગયા છે. આ મુશ્કેલ ઘડીમાં લોકોની મદદ માટે ઘણા ધાર્મિક સ્થળ આગળ આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર