મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થઈ રાહુલ ગાંધી જોડાઈ શકે, 23મી ઓગસ્ટે યાત્રા ગાંધીનગર પહોંચશે

શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (14:16 IST)
nyay congress
ગુજરાત કોંગ્રેસ દ્વારા દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે આજથી ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજીને વંદે માતરમ નાદ સાથે ન્યાયયાત્રાની શરૂઆત થઈ છે. આ યાત્રા ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિમીનો પ્રવાસ ખેડશે.મોરબીના દરબારગઢ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારોએ હાજર રહી આ ન્યાય ​​​​​​યાત્રાની શરૂઆત કરી છે.
 
ગુજરાતનું તંત્ર ખાડે ગયુંઃ જિજ્ઞેશ મેવાણી
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરબી ખાતે ક્રાંતિ સભામાં જણાવ્યું કે, ગુજરાતમાં ખાડે ગયેલ તંત્ર છે. નોન કરપટેડ અધિકારીને તપાસ સોંપે તો જ હકીકત સામે આવે તેમ છે. દારૂ, જુગાર અને જમીનની ફાઇલોમાં રોકડી કરે છે તેને તપાસ સોંપો તો કુલડીમાં ગોળ જ ભાંગે. દોષિતોને સાબરમતિ જેલમાં નાખો. ગુજરાતીઓ જાગો અને ભાજપને છોડો જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતાં.કોંગ્રેસે ન્યાય યાત્રામાં આગળ એક ગાડીમાં સાથે એક ઘડો રાખ્યો છે, જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસે આ ઘડાને 'ભાજપના ભ્રષ્ટ્રાચાર - પાપનો ઘડો' નામ આપ્યું છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.
 
કોંગ્રેસ ન્યાય માટે વિધાનસભામાં અવાજ ઉઠાવશેઃ ધારાસભ્ય અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારના લીધે આ ઘટનાઓ બનેલ છે જેથી ભોગ બનેલા પરિવારો ન્યાય માટો રજડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનીને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવશે.આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. મોરબીથી ગાંધીનગર સુધીની આ ન્યાય પદયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ યાત્રામાં જોડાવવા માટે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલને આમંત્રણ આપવામાં આવ્યું છે.પદયાત્રાનું સ્વાગત દરેક જગ્યાએ થશે પણ કોઈ જગ્યાએ ઢોલ-નગારાંથી નહીં, પરંતુ સૂતરની આંટી વડે સ્વાગત કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર