ગુજરાતમાં આવતીકાલથી પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારે ભાજપ રાજ્યમાં હેટ્રિક કરવા અને પાંચ લાખની લીડથી દરેક સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ગૃહમંત્રી અમિત શાહે બોડેલી ખાતે જનસભા સંબોધી હતી. છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર માટે તેઓ જનતાને અપીલ કરી રહ્યાં છે. અમિત શાહે બોડેલીથી રાહુલ ગાંધી પર પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચૂંટણી લડે છે. અમેઠી છોડીને વાયનાડ ગયા અને હવે રાયબરેલી પહોંચ્યા છે. રાહુલ બાબા પ્રોબ્લેમ સીટમાં નહીં તમારામાં છે.
અનામત એમણે છીનવી અને નામ ભાજપનું આપે
બોડેલીમાં અમિત શાહે જય શ્રી રામના નારા સાથે ભાષણની શરૂઆત કરી હતી. સભાને સંબોધતા કહ્યું હતું કે, જશુભાઈને આપેલો મત નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વાડાપ્રધાન બનાવશે. જો ઇન્ડી એલાયન્સ બની જાય તો વડાપ્રધાન કોણ બનશે? કોઈને નામ ખબર નથી. પણ અમારો તો ચોખ્ખો હિસાબ છે ભાજપ જીતશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. હમણાં રાહુલ બાબા અને કંપનીએ ચલાવ્યું છે આ લોકો ખોટી અફવા ફેલાવે છે નરેન્દ્ર મોદી આવશે તો અનામત જતી રહેશે. 400 પારનો નારો અનામત છીનવી લેવા આપ્યો છે. અરે રાહુલ બાબા સલાહકાર તો સારો રાખો. છોટા ઉદેપુરવાસીઓને કહીને જઉં છું, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે. SC, ST અને OBC પર કોઈ હાથ નહીં નાખી શકે. કર્ણાટકમાં તેમની સરકાર બની 5 % મુસલાનોને અનામત આપી એનો મતલબ 5% અનામત બક્ષીપંચની છીનવી લીધી. આ તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું થયું. અનામત એમણે છીનવી અને નામ ભાજપનું આપે.
રાયબરેલીમાં પણ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો
અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતનો એક-એક માણસ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. 370ની કલમ હટાવવાનું કામ ચાલતું હતું ત્યારે ઘણીવાર તો એમ થાય કે રાહુલ બાબા ઉભા ના થાય અને કઈ ના બોલે તો કોંગ્રેસને સારુ પણ આ તો રાહુલ બાબા ઉભા થયા અને કહ્યું 370 કલમ ના હટાવો નહીં તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. 5 વર્ષ થયા 370 હટાવે લોહીની નદીઓ તો દૂર પણ એક કાંકરો પણ હલ્યો નથી.બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા હતા, આદિવાસીઓની જેટલી વસ્તી હોય તે પ્રમાણે બજેટમાં હિસ્સેદારી આપવી. ભારતનું બંધારણ આવ્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બજેટમાં 14 % આદિવાસી વસ્તીને સમર્પીત કર્યા.કોંગ્રેસ એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચૂંટણી લડે છે, અમેઠી છોડીને રાય બેરેલી ગયા. રાહુલ બાબા પ્રોબ્લેમ સીટમાં નથી, પ્રોબ્લેમ તમારામાં છે. રાયબરેલીમાં પણ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો તમે ગમે ત્યાં ભાગો જનતા તમને શોધે છે.