જામનગરમાં PM મોદીએ જામસાહેબની મુલાકાત કરી, બાપુએ પાઘડી પહેરાવી આવકાર્યા

ગુરુવાર, 2 મે 2024 (21:56 IST)
Jam Saheb
ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી છે. વડાપ્રધાનને સાંભળવા માટે જામનગર શહેર-જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચ્યા છે. જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.
 
અખંડ ભારત બનાવવા માટે રજવાડા આપી દીધા
વડાપ્રધાન મોદીએ જામનગરમાં જામ રાજવીઓના પ્રદાનને યાદ કરતા કહ્યું કે, જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના નાગરિકો્ને અહીં શરણ આપી હતી. પોલેન્ડના પાર્લામેન્ટનું સત્ર શરૂ થાય ત્યારે સૌથી પહેલા જામનગરનું સ્મરણ થાય છે.તેઓએ જે બીજ વાવ્યા તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણો સંબંધ મજબૂત થયો છે.આપણા દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે રજવાડા આપી દીધા હતા. તેઓના યોગદાનને દેશ ભૂલી ન શકે. કોંગ્રેસ SC,ST અને OBCના અનામતનો હિસ્સો છિનવી ધર્મના આધાર પર આરક્ષણ માટે સંવિધાનમાં પરિવર્તન કરી મુસલમાનોને અનામત આપવાની તૈયારી કરી રહી છે.
 
અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું
મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે. ભૂચરમોરીની યુદ્ધની વાત. મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યાં હતા. પછી મને કોઈએ કાનમાં કહ્યું કે, સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો. આતો અમારૂ કર્તવ્ય છે એટલે અમે નિમંત્રણ આપવામાં આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાય કરી ચૂક્યા છીએ. ત્યા એવી માન્યતા છે કે, જ્યા આટલા બધા પાળીયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચરમોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યા કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ  હું આવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર