મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક, ગુજરાતમાં આજે બંધનું એલાન

શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (10:06 IST)
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. ત્યારે આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે.

આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી.બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી.શહેરના વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પટેલ, મહિલા પ્રમુખ SC/ST સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠળિયા સહિતના કાર્યકરો દ્વારા દુકાનો તથા ઓફિસો બંધ કરાવવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ઓફિસ બંધ કરાવ્યા બાદ દુકાનદારોનું ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફીસ બહાર પેહલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ કરવા બહાર આવતા ડીટેન કરવામાં આવ્યા હતા.NSUIના કાર્યકરોએ સવારથી શહેરમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. બીજી તરફ શહેરના નરોડા વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ જગદીશ ઠાકોર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બંધ કરાવવા નીકળ્યા હતા. કોલેજો બંધ કરાવી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી. હાલમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં બંધ પાળવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિયેશનને મળી વિનંતી કરી હતી. સરકાર દ્વારા હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધ જાહેરાત કરાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર