અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરના મહિલા સાથેના ગેરવર્તન બાદ આરોગ્ય કર્મચારીઓની રેલી

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (17:16 IST)
અમદાવાદમાં નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ નરોડાના મુઠિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે અણછાજતો વ્યવહાર કર્યો હતો જેના લીધે વિવાદ વકર્યો છે. બોલાચાલી બાદ તેમણે મહિલા આરોગ્ય અધિકારી સાથે ધક્કા-મુક્કી કરી હતી. બાદમાં તેમણે મહિલા મેડિકલ ઓફિસરનું મોઢું પકડીને બળજબરીથી પાણી પીવડાવ્યું હતું અને કોઈને ફરિયાદ ન કરવા માટે ધમકી આપી હતી. આ કારણે અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

મહિલા કર્મચારીઓએ અર્બન હેલ્થ સેન્ટરથી નરોડા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજીને સોમા પટેલ, લવ ભરવાડ, બોડા દરબાર સહિતના ભાજપના આગેવાનો સામે કાર્યવાહીની માગણી કરી હતી. સાથે જ જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ આપી હતી. મહિલા અધિકારી સાથે આ પ્રકારના વર્તન બાદ અન્ય કર્મચારીઓમાં ભય વ્યાપ્યો છે અને પીડિત મહિલાએ બુધવારે સાંજે બનેલી આ ઘટના બાદ પોલીસ ફરિયાદ કરી હતી. હકીકતે વિપુલ પટેલના સંબંધી કોમ્યુનિટી સેન્ટરમાં સારવાર માટે પહોંચ્યા હતા અને તેમને ફરજ પર રહેલા મહિલા મેડીકલ ઓફિસર સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ કોર્પોરેટર વિપુલ પટેલ પોતાના કાર્યકરો સાથે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા ધક્કામુક્કી કરીને ધમકી આપી હતી. તેમણે મહિલા અધિકારીનું મોઢું પકડીને તેમને બળજબરીથી પાણી પીવડાવીને આ વાત આગળ ન જાય તેની તકેદારી રાખવા ચીમકી આપી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર