વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા સીએમ અને સીઆર પાટીલ દિલ્લી જવા રવાના

શનિવાર, 15 ઑક્ટોબર 2022 (10:42 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલ્હી જવા રવાના થયા છે. આ બન્ને નેતાઓ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે ચૂંટણીને લઈ બેઠક યોજશે.  ચૂંટણીની તૈયારીઓ અંગે બેઠકમા મનોમંથન કરવામાં આવશે. નોંધનિય છે કે, આજે ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ 12મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થશે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.

જેથી હવે ગુજરાતની ચૂંટણીની તારખી પણ થોડા દિવસમાં જાહેર થશે તેવી શક્યતા છે. જેની તૈયારીને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્લી જવા રવાના થયા છે.હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ ગુજરાત પહેલાં સમાપ્ત થશે. હિમાચલ પ્રદેશની વર્તમાન વિધાનસભાની મુદત 8 જાન્યુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. એ જ સમયે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થશે. કમિશન પાસે બંને રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે પૂરતો સમય છે.

હિમાચલ પ્રદેશમાં શિયાળા દરમિયાન હવામાન એકદમ ખરાબ હોય છે. ઘણી જગ્યાએ હિમવર્ષાના કારણે ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકતી નથી. ખરાબ હવામાન પહેલાં ચૂંટણીપંચ નવેમ્બરમાં હિમાચલ પ્રદેશમાં અગાઉની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ સાથે જ ગુજરાતમાં પણ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાછળથી યોજવા પર ઊઠેલા સવાલનો ચૂંટણીપંચે જવાબ આપતાં કહ્યું હતું કે બંને રાજ્યની વિધાનસભાના કાર્યકાળમાં 40 દિવસનો તફાવત છે. હિમાચલ પ્રદેશમાં હવામાનની ઘણી સમસ્યા છે. ખાસ કરીને ઉપરના વિસ્તારોમાં જ્યાં ઘણો હિમવર્ષા થાય છે. આવી સ્થિતિમાં આયોગે માપદંડોને જોઈને જ આ નિર્ણય લીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર