‘ઝિરો ટોલરન્સ-ઝિરો કેઝયુઆલિટી’ મંત્રથી પુરૂષાર્થ કરવાનો છે:-વિજયભાઇ રૂપાણી

બુધવાર, 12 જૂન 2019 (18:33 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફટ કરવા સંબંધિત જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીનો જાયજો મેળવ્યો હતો. 
 
વિજય રૂપાણીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા કે, આ વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રી કે ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ છે. કલાકના ૧ર૦ કિ.મી.થી ૧પ૦-૧૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે તેમજ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. આ વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે તેમજ મધ્યરાત્રીએ જ્યારે લોકો સૂતા હોય ત્યારે ત્રાટકવાનું છે તે ચિંતાનો વિષય છે. 
 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સજાગ કરી તેમનું સલામત સ્થળે સ્થળાંતર-શિફટીંગ એ જ એકમાત્ર વિકલ્પ છે. ‘‘આપણે વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલાં, શિફટીંગ વગેરેથી ‘ઝિરો ટોલરન્સ ઝીરો કેઝયુઆલિટી’ના ધ્યેયથી વાયુ વાવાઝોડાનો સામનો કરવાનો પુરૂષાર્થ કરવાનો છે’’ એમ તેમણે જિલ્લા તંત્રવાહકોને માલ-મિલ્કત નુકશાન ઢોર-ઢાંખર અને માનવહાનિ ન થાય તેવું સલામતીભર્યુ આયોજન કરવાની તાકિદ કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને એમ પણ જણાવ્યું કે પશુપાલકો-ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય. 
 
વિજય રૂપાણીએ સ્થળાંતરની પ્રક્રિયામાં લોકોનો સહયોગ મળી રહે અને સરળતાથી સમજાવી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત આશ્રય સ્થાનોમાં શિફટ કરાય તે બાબતે ટોચઅગ્રતા આપતાં કહ્યું કે જરૂર જણાયે કડકાઇથી પેશ આવી, પોલીસનો સહયોગ-મદદ લઇને પણ ૧૦૦ ટકા શિફટીંગ કરાવવું આવશ્યક છે. તેમણે જિલ્લાવાર કલેકટરો સાથે વાતચીત કરીને સંબંધિત જિલ્લાની સજ્જતા-સર્તકતાની સંપૂર્ણ વિગતો મેળવી હતી. 
 
મુખ્યમંત્રીએ આ ઉચ્ચસ્તરીય બેઠકની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતાં એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતીની જાણકારી મેળવી મદદ માટે પ્રતિબધ્ધ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં આ સંભવિત આપદાને પહોચી વળવા ૪૭ ટીમ NDRFની આવી ગઇ છે તેમજ આર્મીની પણ મદદ મળી છે. આગોતરી સલામતી-સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવાઇમથકો, પ્રવાસન-તીર્થધામોની બસ સેવાઓ તેમજ સમુદ્ર કિનારાના રેલ્વે સ્ટેશનની રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવ્યાની વિગતો પણ આ તકે આપી હતી. 
 
રાજ્યના બંદર ગાહો પર પણ યાતાયાત અને માલવહન સ્થગિત કરી દેવાયા છે તેમજ દરિયા કિનારાના ગામોની કોઇ હોડી-બોટ કે માછીમારો દરિયામાં નથી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ૧ લાખ ર૦ હજાર જેટલા લોકોનું પાછલા બે દિવસમાં સ્થળાંતર કરાયું છે અને હજુ વધુ લોકોને સલામત આશ્રયસ્થાને ખસેડી ફૂડપેકેટસ, પાણી, આરોગ્ય સેવાઓની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 
 
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છના આ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના સૌ નાગરિકોને અપીલ કરી કે આ કુદરતી આપદા સામે સરકાર પૂરી સજ્જતાથી બાથ ભીડવા અને ઓછામાં ઓછું નુકશાન, કોઇ જાનહાનિ ન થાય તે માટે સજ્જ છે તેમાં નાગરિકો પણ સહકાર આપે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર