સૌરાષ્ટ્ર-કચ્છ માટે જૂન મહિનો જોખમી: કંડલા વાવાઝોડું પણ 9મી જૂને જ ત્રાટક્યું હતું

બુધવાર, 12 જૂન 2019 (14:39 IST)
12 જૂનના રાતના 2 વાગ્યાની આસપાસ ગુજરાતના વણાકબારા-સરખાડીથી 110 કિલો મીટરની ઝડપે વાવાઝોડું ત્રાટકશે. ગુજરાતમાં આ પહેલા પણ પ્રચંડ એવું કંડલાનું વાવાઝોડું આવી ચૂક્યું છે. યોગાનુયોગ કંડલાનું વાવાઝોડું પણ વર્ષ 1998ની 9મી જૂને જ ત્રાટક્યું હતું. આમ ગુજરાત માટે જૂન જોખમરૂપ છે. પ્રતિ કલાકના 150 કિલોમિટરની ઝડપે ફૂંકાયેલો પવન પોતાની સાથે આખા અરબી સમુદ્રને લઈને કચ્છના નાનકડા કંડલા પર ત્રાટક્યો હતો, જેને પગલે સત્તાવાર 1000 લોકોના મોત થયા હતા. કંડલા બંદરને સામાન સહિત ઉડાડી દીધું હતું. માત્ર એટલું જ નહીં, બંદર પરના હજારો ટનની લોખંડી ક્રેન પવનના જોર સામે 180 ડિગ્રીએ વાંકા વળી ગયા હતા.

કંડલા ખાતે બંદરથી એક-દોઢ કિલોમીટર સુધી જળરેલ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિક તારણ બહાર આવ્યું હતું. કંડલાના વિનાશ માટે જવાબદાર આ સ્ટોર્મ સર્ચની મુખ્ય પહોળાઈ 38થી 48 નોટિકલ માઈલની હતી, પરંતુ વાવાઝોડાંની અસર 700 કિલોમીટર ત્રિજ્યામાં મળી હતી. આ સ્ટોર્મ સર્ચ જામનગરથી પસાર થયા બાદ નવલખી અને મુન્દ્રા વચ્ચેથી પસાર થતાં કંડલા બંદર મધ્યમાં આવી જતાં અહીં સૌથી વધુ વિનાશ વેરાયો હતો. આ સ્ટોર્મ સર્ચને કારણે દરિયાનું પાણી કંડલા વિસ્તારમાં એકથી દોઢ કિલોમીટર સુધી ફરી વળ્યું હતું અને ખાડી વિસ્તારમાં 18 ફૂટ જેટલો પાણીનો ભરાવો થયો હતો. કાંઠે લગભગ 15 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળવાનું નોંધાયું હતું. આ સ્ટોર્મ સર્ચની પહોળાઈ 38થી 48 નોટિકલ માઈલની હતી તેને લીધે કંડલાથી 28 નોટિકલ માઈલ દૂર આવેલા નવલખીમાં પણ તારાજી સર્જાઈ હતી. આ ઉપરાંત 2014માં દિવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે નિલોફર સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલા રાજ્ય સરકાર અને તેના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામે સજ્જ રહ્યું હતું. કચ્છ પર મોટી આફતના અણસાર વચ્ચે કચ્છનું વહીવટી તંત્ર સંભવિત નુકસાન સામે તૈયાર આદરી હતી. નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું અને કચ્છને આફત સામે કેમ તૈયાર રહેવું એનો બોધ વાવાઝોડું આપતું ગયું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર