રાજકોટના કલેક્ટર દ્વારા હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પાછો ખેંચવા આદેશ કરાયો

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (14:06 IST)
ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સામે કરાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે અને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પાટીદાર કન્વીનરો અને કાર્યકરો સામે થયેલા કેસો પરત ખેંચવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા બુધવારે હાર્દિક પટેલ સામે બે વર્ષ પહેલા રાજકોટમાં કરાયેલો રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પરત ખેંચવા હુકમ કરાયો છે. પડધરી કોર્ટમાં ચાલતો કેસ ગુરુવારે સરકારી વકીલ દ્વારા પરત ખેંચવાની કાર્યવાહી કરાશે. રાજ્યમાં અનામત આંદોલન જોરશોરથી ચાલી રહ્યું હતું ત્યારે પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા ગત 18 ઓક્ટોબર, 2015ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારા ભારત-સાઉથ આફ્રિકાના વન-ડે મેચમાં જોરદાર દેખાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે રાજકોટ જિલ્લાના તત્કાલીન પોલીસવડા ગગનદીપ ગંભીર દ્વારા ખંઢેરી સ્ટેડિયમ તરફ જતા તમામ માર્ગો પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મેચ શરૂ થાય તેના થોડા સમય પૂર્વે હાર્દિક પટેલને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને તેની સામે વીડિયો પુરાવાના આધારે રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પડધરી પોલીસમથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. કેસ બોર્ડ પર આવી ગયો છે અને હાર્દિક વતી તેના વકિલ સુરેશ ફળદુ કેસ લડી રહ્યા છે.દરમિયાનમાં તાજેતરમાં પાટીદાર નેતાઓ અને ગુજરાત સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં સરકારે પાટીદારો સામે કરાયેલા તમામ કેસો પરત ખેંચવાની ખાતરી આપી હતી. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા બુધવારે હાર્દિક પટેલ સામેનો રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પાછો ખેંચવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ ગુરુવારે કોર્ટમાંથી કેસ પરત ખેંચી કાર્યવાહી કરશે.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર