રાજકોટની બીટી સવાણી હોસ્પિટલમાંથી એક યુવકના હાર્ટને સવારે હવાઇ માર્ગે સ્પેશિયલ પ્લેનમાં સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. તેના માટે હોસ્પિટલના સર્જન, ડોક્ટર્સ, અને મેડિકલ વાન દ્વારા બીટી સવાણી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી અને અમદાવાદ એરપોર્ટથી સીમ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. બે કિડની, લિવર, પેનક્રિયાઝ અને બે આંખોને અમદાવાદ લાવવામાં આવી હતી. તેનાથી 8 લોકોને નવું જીવન મળશે.
પોરબંદરના નિવૃત આર્મીના જવાન સાજન મોઢવાડિયાનો પુત્ર જય 17 જૂને સાંજે જ્યારે ક્લાસમાંથી ચાલતો ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે પાછળથી આવી રહેલી બાઇકે તેને ટક્કર મારી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. ડોક્ટરોના અથાગ પ્રયત્નો બાદ પણ તેની તબિયતમાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો. આખરે 19 જૂનના રોજ ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો. જયના પિતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર આર્મીમાં જવા માંગતો હતો. એવામાં જય તો ન રહ્યો પરંતુ જો તેના અંગોનું દાન કરવામાં આવે તો એકસાથે ઘણા લોકોને જીવતદાન આપીને જીવિત રહી શકે છે. ત્યારે તેમણે પોતાના પુત્રના ઓર્ગન દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
અમદાવાદ સીમ્સ હોસ્પિટલના ડો. વીરેન શાહ સહિત ટીમ એર એમ્બ્યુલન્સ સાથે રાજકોટ પહોંચી. કિડની માટે અમદાવાદના ડો. પ્રાંજલ મોદીની ટીમ પણ રાજકોટ પહોંચી. રાત્રે બે વાગે જયના ઓર્ગન કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારબાદ સવારે 5 વાગે હાર્ટ સહિત બધા ઓર્ગનને લઇને નિકળનાર એમ્બુલન્સ માટે સવાણી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા પોલિસ બંદોબસ્ત સાથે કરવામાં આવી અને જયના બધા ઓર્ગન અમદાવાદ પહોંચી ગયા છે.