ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય એમ અવારનવાર અકસ્માતના બનાવ બને છે. ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજીવાળાની GJ14X 9781 બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી, ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે જીપનું ટાયર ફાટ્યું હતું. એને કારણે ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કાર GJ01KD 2755ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઉંધાડ (ઉં.વ. 71)નું મોત નીપજ્યું હતું.જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળને ઇજા થતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત નીપજ્યું હતું. બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.અકસ્માત થતા બોલેરોચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને માર્ગ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.