ઓનલાઈન શિક્ષણના કારણે પ્રેક્ટિસ છૂટી જતાં બોર્ડના વિદ્યાર્થીઓ સતત 3 કલાક પેપર લખી શકતા નથી

શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (10:27 IST)
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને લખવાની ટેવ ઓછી થવાને પરિણામે હાલમાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના પેપર પૂરા થઇ શકતા નથી. તજજ્ઞોના મતે, બોર્ડમાં સારું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે લખવાની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. જો વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટિસ નહીં કરે તો બોર્ડની પરીક્ષામાં પેપર છૂટી જશે અને પરિણામ ઓછું આવશે. ઓનલાઇન શિક્ષણના પરિણામ હવે સ્કૂલોની ઓફલાઇન લેવાઇ રહેલી પરીક્ષામાં જોવા મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના સંચાલક ચેતન વાટોલિયાના મતે, હાલમાં ચાલી રહેલા પરીક્ષામાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કલાક, જ્યારે કે ધો.9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બે કલાકનો રખાયો છે, પરંતુ પેપર દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓ ત્રણ કલાક સતત બેસી શકતા નથી. ચાલી રહેલી પરીક્ષામાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રાઇવેટ સ્કૂલોમાં 80 ટકા સરેરાશ હાજરી છે, સરકારી સ્કૂલોમાં 71 ટકા સરેરાશ હાજરી જોવા મળી રહી છે. જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 76 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હાજર રહ્યાં છે. સરકારી સ્કૂલોમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સ્કૂલ સંચાલકોના મતે ઓનલાઇન એજ્યુકેશનને કારણે લખવાની ટેવ ઓછી હોવાથી વિદ્યાર્થીઓના અક્ષરો પણ ખરાબ થયા છે. શાળા સંચાલક મંડળના હોદ્દેદારોનું કહેવું છે કે ઓનલાઇન એજ્યુકેશનને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ ઘટી છે, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે સરકારે હવે ઓફલાઇન વર્ગો શરૂ કરવા જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર