ભાજપ યુવા મોરચાના અમદાવાદ અને સુરતનાં પદાધિકારીઓ વચ્ચે મારામારી

બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (12:09 IST)
ભાજપ યુવા મોરચાનું એક દિવસનું અધિવેશન યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલમાં મળ્યું હતું. આ હોલના ત્રણ નંબરનાં દરવાજા પાસે સુરત અને અમદાવાદ ભાજપ યુવા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો બેસવાના સામાન્ય મુદ્દે આમને સામનો આવી ગયા હતા.
એકબાજુ હોલની અંદર કાર્યક્રમ ચાલુ હતો. મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર હતા એ સમયે જ બંને જૂથના યુવાનોએ છૂટા હાથની મારામારી કરતા ભાજપમાં કેવા પ્રકારની 'શિસ્ત' છે તેની ભારે ચર્ચા થઈ રહી છે.
દિગ્વિજય દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરતનાં કાર્યકરો-પદાધિકારીઓને ખાસ બોલાવાયા હતા. હોલ ફુલ થઈ જતાં દરવાજા પાસે તેઓ ઉભા હતા જયારે કેટલાક કાર્યકરો બેઠા હતા. આ તબક્કે અમદાવાદ ભાજપ યુવા મોરચાનું ગુ્રપ પણ આવી ગયું હતું. જ્યાં બંને જૂથો વચ્ચે ઉભા રહેવા અને બેસવાના સાવ ક્ષુલ્લક પ્રશ્ને ઝઘડો થયો હતો.
ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઈ લેતા બંને પક્ષ દ્વારા ગાળાગાળી અને ઝપાઝપી શરૂ થઈ હતી. ત્યારબાદ તો કાર્યકરોએ ફિલ્મમાં જે રીતે ફાઇટીંગ થાય તેવી જ રીતે હાથમાં જે આવ્યું તેનાથી સામેના જૂથ પર હૂમલો શરૂ કર્યો હતો. સુરતનાં ત્રણ થી ચાર પદાધિકારીઓને નીચે પછાડી દઈને અમદાવાદનાં કાર્યકરોએ બેફામ રીતે ફટકાર્યા હતા. આ દંગલ લગભગ ૧૦ થી ૧૨ મિનિટ સુધી ચાલ્યું હતું.
ખુબ જ શોરબકોર થતા ભાજપના નેતાઓ અને પોલીસ દોડી આવી હતી. ઝઘડી રહેલા ભાજપનાં કાર્યકરોને મહામહેનતે છૂટા પાડયા હતા. જો કે સુરતના એક કાર્યકર શૌચાલયમાં જતાં અમદાવાદનાં કાર્યકરોએ ત્યાં જઈને તેને ગદડાપાટુથી ઢોર માર માર્યો હતો.
કાર્યક્રમ સંપન્ન થયા બાદ સુરત યુવા મોરચાના પદાધિકારીઓ પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલને ફરિયાદ કરવા આવ્યા હતા. જો કે ઋત્વિજે એવું સમજાવીને રવાના કર્યા હતા કે અહીં મોટા નેતાઓ અને મીડિયા હાજર છે. તમે લોકો મને પછી મળજો. જેના કારણે સુરતનાં પદાધિકારીઓમાં વધુ રોષ ભભુકી ઉઠયો હતો.
 ત્યાંથી નીકળતા નીકળતા તેઓ બોલતા હતા કે અમને કાર્યક્રમમાં માર ખાવા જ બોલાવ્યા હતા ? સુરતના પદાધિકારીઓનું ટોળું બહાર રોડ પર અમદાવાદનાં પદાધિકારીઓ સાથે હિસાબ સરભર કરવાની ઇચ્છા સાથે ઉભુ રહ્યું હતું. જેની જાણ થતા જ ઋત્વિજ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તુરંત જ ધસી ગયા હતા. જયાં બંને જૂથોને ફરીથી ભેગા કરી સમાધાન કરીને છૂટા પાડયા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર