રાજકોટ શહેરમાં ભાજપનું સંગઠન મજબૂત છે, રૂપાણી સ્ટાર પ્રચારક જ રહેશેઃ પાટીલ

શનિવાર, 20 નવેમ્બર 2021 (12:37 IST)
- 15 નવેમ્બરે ભાજપના સ્નેહમિલનમાં રૂપાણી અને મોરકિયા વચ્ચે બોલાચાલી થઈ હતી 
 
રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ દ્વારા એરપોર્ટ પર તેના ભવ્ય સ્વાગતને લઇને તૈયારીઓ કરવામાં આવી છે. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી છે તો ડીજેના તાલે સ્વાગત કરવામાં આવશે. આ માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા છે. પાટીલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા બહાર ગામ જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.  
 
આજે પાટીલ સાથે ભાજપનું સ્નેહમિલન હતું પણ રદ કરવું પડ્યું
રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલનો 20મીનો કાર્યક્રમ અગાઉથી જાહેર થઇ ગયો હતો અને પાટીલની હાજરીમાં 20મીએ કાર્યકર્તા સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ 15મીએ શહેર ભાજપે સ્નેહમિલન યોજી નાખ્યું હતું અને એમાં જે રીતે સિનિયર નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ એના બીજા જ દિવસે પાટીલની હાજરીમાં યોજાનારું સ્નેહમિલન રદ કરવાની જાહેરાત થઇ હતી.
 
સીઆર પાટીલ આજે 4 વાગ્યા સુધી રાજકોટમાં
આ તમામ તનાણની વચ્ચે આજે સીઆર પાટીલ રાજકોટ આવી રહ્યા છે, ત્યાં શહેર ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 10 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12.30 વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મિલન યોજાશે. 3 વાગ્યે શહેર ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે અને એ જ સ્થળે 4 વાગ્યે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે.
 
બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં નીતિન ભારદ્વાજ ગેરહાજર રહેશે
સત્તા પરિવર્તન બાદ સીઆર પાટીલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા રાજકોટમાં હાજર નથી. બંને નેતાઓ બહારગામ હોવાનું કહેવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મ સમાજના જ આગેવાન નીતિન ભારદ્વાજ પણ બહારગામ હોવાનું સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
 
કેટલાક આગેવાનો સાથે બંધબારણે બેઠક થવાની સંભાવના
પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં શહેરના હોદ્દેદારો અને સંગઠનની વિવિધ પાંખના નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. શહેર ભાજપમાં કેટલાક દિવસોથી શરૂ થયેલા જૂથવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ કેટલાક નેતાઓ માટે સાંકેતિક વાતો કરશે તેમજ કેટલાક નેતાઓ સાથે બંધબારણે પણ બેઠક કરશે, એવું ભાજપનાં સૂત્રોએ કહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર