- રામ મોકરિયા દ્વારા ખોટુ સોગંદનામું રજૂ કર્યું
રાજકોટઃ તાજેતરમાં ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને ભાજપના જ એક સિનિયર નેતા પાસેથી રૂપિયા લેવાના બાકી હોવાથી તેમણે સોશિયલ મીડિયા પર કોમેટ કરી હતી. આ કોમેટ બાદ રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી હતી. પરંતુ હવે આ મુદ્દામાં કોંગ્રેસે હાથ નાંખતાં જ મામલો વધારે ગરમ થયો છે. આજે વિપક્ષે એવો આક્ષેપ કર્યો છે કે, રામ મોકરિયા દ્વારા ખોટુ સોગંદનામું રજૂ કર્યું છે. જેથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવે. કોંગ્રેસે એવી પણ માંગ કરી છે કે, રામભાઈએ વર્ષ 2008માં આપેલી મોટી રકમ લેવાની બાકી હોય તો તેમણે તેનો ઉલ્લેખ સોગંદનામાની અંદર કરવો જોઈતો હતો. જે તેમણે કર્યો નથી માટે કદાચ આ બે નંબરની રકમ હોઈ શકે છે. આ અંગે પણ તપાસ થવી જોઈએ.રામ મોકરિયાએ કોંગ્રેસના આ આક્ષેપને ફગાવી દીધો હતો અને કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને આક્ષેપ કર્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે આજે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા માધ્યમથી એક કોમેન્ટ કરી ભાજપના એક નેતા પાસેથી મોટી રકમ લેવાની બાકી હોવાનું જણાવ્યું હતું. જો કે, આ અંગેની વિગત રામ મોકરિયાએ પોતાના સોંગદનામાની અંદર રજૂ કરી નથી. કોઈ પણ ચૂંટણી સમયે રજૂ કરવામાં આવતા સોગંદનામાની અંદર આ તમામ વિગતો દર્શાવવાની રહેતી હોય છે. પરંતુ આવી કોઈ રકમ બાકી લેણાંની રામ મોકરિયાએ પોતાના સોગંદનામાની અંદર રજૂ કરી નથી. આ મામલે તપાસ થવી જોઈએ અને તેમને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી અમારી માંગ છે.
આ મામલે સરકારે તપાસ કરાવવી જોઈએઃ કોંગ્રેસ
કોંગ્રેસના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, આ મોટી રકમ ખરેખર લેવાની બાકી હોય તો આ મામલે સરકારે તપાસ કરાવવી જોઈએ. કારણ કે, આ રકમ બે નંબરની પણ હોઈ શકે છે. પાટીલ સાહેબ કોંગ્રેસના હિસાબની વાતો કરે છે, પરંતુ હું પાટીલ સાહેબને કહેવા માંગુ છું કે, શું રામભાઈના આ હીસાબાની તપાસ કરવામાં આવશે કે કેમ? આગામી દિવસોમાં રાજ્યસભાના ઉપસભાપતિ સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવશે. તેની સામે રામ મોકરિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ હું આ મામલે કહી બોલવા માંગતો નથી. આ મામલે હું હાલ મૌન છું. સમય આવશે ત્યારે હું જવાબ આપીશ. સોગંદનામું સાચું જ છે, ખોટું હોય તો મારી સામે કાર્યવાહી કરવામાં આવે.