રાજ્યસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યા આ ઉમેદવારોના નામ, છેલ્લી ઘડીએ ખોલ્યું 'પાટીદાર' કાર્ડ

શુક્રવાર, 13 માર્ચ 2020 (11:05 IST)
ગુજરાતના જાણિતા વકીલ અભય ભારદ્વાજ અને પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા ભાજપના રાજ્યસભાના ઉમેદવાર હશે. ભાજપની કેન્દ્રીય પ્સંદગી સમિતિએ રાજ્યસભા માટે અભય ભારદ્વાજ તથા રમીલાબેન બારા અને નરહરિ અમીનના નામની જાહેરાત કરી છે. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ  અમીન (narhari amin) ના નામની જાહેરાત કરાઈ છે. આમ, ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે. ભાજપે અગાઉ સત્તાવાર રીતે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. 
 
રાજ્યસભાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીન ફોર્મ ભરશે. તો કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવારી નોંધાવશે. બંને પાર્ટીના ઉમેદવારો વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, અને 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે.
 
અજય ભાર્દ્વાજ રાજકોટના જાણિતા વકીલ છે અને ગુજરાત સરકાર તરફથી ઘણા મમાલે ખાસ સરકારી વકીલ રહી ચૂક્યા છે. તે ભારતીય લો કમિશનમાં પાર્ટ ટાઇમ સભ્ય રહી ચૂક્યા છે. 
 
નરહરિ અમીન મૂળ કોંગ્રેસી હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા નરહરિ અમીન 2012માં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નરહરિ અમીનને ટિકીટ મળે તેવી આશા જાગી હતી, પણ છેલ્લી ઘડીએ તેમની ટિકીટ કપાઈ હતી. પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે. 
 
તો બીજી તરફ રમીલાબેન બારા હાલ ગુજરાત ભાજપ પ્રદેશની ઉપાધ્યક્ષ છે. અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપે આ વખતે આદિવાસી સમાજના પ્રતિનિધિના રૂપમાં જ્યાં રમીલાબેન બારાને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિત્વ તરીકે અજય ભારદ્વાજને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 
 
ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 13 માર્ચ, ઉમેદવારી પત્રો તપાસવાની તારીખ 16 માર્ચ અને ઉમેદવારી પરત લેવાની તારીખ 18 માર્ચ છે. અને મતદાનની તારીખ 26 માર્ચ છે, જેમાં સવારે 9 થી 4 વાગ્યા સુધીએ મતદાન થશે. તો બીજી તરફ કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી પર પસંદગી ઉતારી છે. ભાજપે પોતાના ત્રણેય વર્તમાન સાંસદોમાં અત્યાર સુધી કોઇને રિપીટ કર્યા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર