આજે સ્મૃતિ ઇરાની અને હાર્દિક પટેલ રાજકોટમાં કરશે ચૂંટણી પ્રચાર, મતદારો રિઝવવા અનોખું પ્રચાર અભિયાન

બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (12:10 IST)
રાજકોટમાં લોકો ભાજપની મોંઘવારી, કોંગ્રેસના મુખિયાથી કંગાળી ગયા છે. અન્ય પક્ષોની નિષ્ક્રીયતા ભાષણોમાં રસ દાખવતી નથી અને ઘણી જગ્યાએ ચૂંટણીનો ખુલ્લો બહિષ્કાર કર્યો છે.  ત્યારે આજે કોંગ્રેસના પ્રચાર માટે હાર્દિક પટેલ અને ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની શહેરમાં કુલ 8 સભાઓ ગજવશે.

રાજકોટ મહાપાલિકામાં 40 વર્ષમાં 35 વર્ષ ભાજપ અને ૫ વર્ષ કોંગ્રેસને સત્તા મળી છે, ચૂંટણી ટાણે પ્રગટતા અન્ય પક્ષોને ક્યારેય એક બેઠક મળી નથી. ગત 2015ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કસોકસની સ્પર્ધા હતી અને માત્ર ૩ બેઠકથી ભાજપને સત્તા મળી હતી ત્યારે બન્ને પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દીવસો બાકી છે, દરેક ઉમેદવાર મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. અલગ અલગ પ્રકારે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જોકે, રંગીલા રાજકોટના ચૂંટણી પ્રચારમાં અનેક રંગો જોવા મળી રહ્યાં છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે અલગ અલગ કીમિયા અપનાવી રહ્યાં છે.


કેટલાક પક્ષો પદયાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ આ ઉમેદવારોએ પોતાના પ્રચારમાં કાર્ટુન કેરેક્ટર્સને સામેલ કર્યાં હતા. અગાઉ ભાજપના ઉમેદવારો કમળના ફૂલ અને કમલમ ફ્રૂટ તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રૂટ સાથે પ્રચાર કર્યો હતો. તો આ તરફ મહિલા ઉમેદવારોને રિઝવવા માટે ભાજપે કમળની ડિઝાઇનવાળા પર્સ, બોરીયા અને બકલ આપવામાં આવી રહ્યા છે. ગઇકાલે મંગળવારે આપના ઉમેદવારો સાવરણા સાથે પ્રચારમાં નીકળ્યા હતા અને રસ્તા પર ગંદકી સાફ કરી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો.

આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થવાનું છે અને 23 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચારને જ્યારે 6 દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો કોઈ કચાશ છોડવા માંગતા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર