અદભુત આયોજન: મહામારી વચ્ચે દરરોજ આ ગામને સૂચના આપે છે આધુનિક બુંગીયો

બુધવાર, 13 મે 2020 (11:32 IST)
"કાલથી ગામમા સરકાર દ્વારા અનાજ વિતરણ થવાનું છે, જેથી સર્વ ગ્રામજનોને વિનંતી કે જેમના રાશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ઝીરો અથવા એક છે તેમણે કાલે મોં પર માસ્ક પહેરી સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સસ્તા અનાજની દુકાને આવવું". "સર્વે ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પી.જી.વી.સી.એલ. દ્વારા કાલ રાત્રે ૯ થી ૧ વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામા આવેલ છે જેથી રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો આ બાબત ખાસ ધ્યાને લેવી".
"સર્વે માલધારી મિત્રોને જણાવવાનું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા નીચાણવાળો વિસ્તાર પ્રતિબંધીત જાહેર કરાયો છે જેથી તે વિસ્તારમાં પોતાના માલ-ઢોર ચરાવવા જવું નહીં". 
 
આ પ્રકારની અને આવી તો કંઈક કેટલીયે લોકોપયોગી સૂચનાઓ આપે છે પાલીતાણાના સાંજણાસરના ગ્રામજનોએ વિકસાવેલો આધુનિક બુંગીયો. પહેલાના જમાનામાં કોઈ અગત્યની સૂચના આપવા ગામની મધ્યમાં ઢોલ વગાડી લોકોને તેની જાણ કરવામાં આવતી જેને બુંગીયો ઢોલ કહેવામાં આવતો. આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા આજ સાંજણાસરના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
 
ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદાન-પ્રદાનની તેમજ જનસંપર્કની જે વ્યવસ્થા ઊભી કરાઇ છે તે ભારતભરમાં પ્રેરણાદાયી બની શકે તેમ કહેવામાં લગીરે અતિશ્યોક્તિ નથી. આ ગામમાં સરકારશ્રી દ્વારા ફાળવાયેલા ૭૦ હજાર તેમજ લોકફાળાના ૪૦ હજાર એમ કુલ ૧.૧૦ હજારના ખર્ચે જનસંપર્કની એક આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ગામને આવરી લે તે રીતે ગામના દરેક ચોકમાં ૧૨ જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયત કચેરીએથી માઈક વડે અપાતી લોકોપયોગી સૂચનાઓ કે કોઈ અગત્યનો સંદેશો આ ૧૨ લાઉડ સ્પીકર મારફત એક સાથે એક જ ક્ષણે ગામના તમામ લોકો સુધી પહોંચી જાય છે.
 
આજે આધુનિક શહેરો તેમજ સોસાયટીઓમા વસતા લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી સરળતાથી સંદેશ તેમજ સૂચનાઓ પ્રાપ્ત કરી શકે છે ત્યારે સાંજણાસર ગામના લોકોએ વિકસાવેલી આ વ્યવસ્થા અબાલ-વૃદ્ધ, સાક્ષર-નિરક્ષર સૌ કોઈને તેમના ઘર સુધી છેલ્લી ઘડીની સૂચના આપવાનું કાર્ય કરી સુગ્રથિત કરવાનું કામ કરે છે.
 
આ ગામના રામુબહેન જણાવે છે કે લાઉડ સ્પીકર દ્વારા પંચાયત કચેરીએથી સરકારશ્રી દ્વારા વિધવા સહાયના રૂ. ૧,૨૫૦ તેમજ જન ધન ખાતામા રૂ. ૫૦૦ જમા કરવામા આવનાર છે જે માટે જરૂરી ડોક્યુમેન્ટસનુ લિસ્ટ પણ જણાવવામાં આવ્યું અને આજે આ વ્યવસ્થાના કારણે મને સરકાર દ્વારા મળતા લાભો સરળતાથી ઉપલબ્ધ બન્યા.
 
બાલુભાઈ હાદાભાઈ નામના એક ખેડૂતે જણાવ્યું હતું કે ઘણી વખત ખેતરમા પાણી વાળવા જઈએ ત્યારે વીજ કાંપના કારણે મોટર બંધ રહે અને અમારે અકારણ ખેતર સુધીનો ધક્કો થતો. પરંતુ હવે વીજકાપની જાણ લાઉડ સ્પીકર દ્વારા અગાઉથી જ કરી દેવામાં આવે છે જેથી અમારો અકારણ વેડફાતો સમય બચે છે. આ સિવાય ડેમ સાઈટ પરથી કાંપ મેળવવા માટેની સુચના પણ મળે છે. જેથી અમે અમારા ટ્રેક્ટર મારફત નિયત સમયમર્યાદામા કાંપ લાવી શકીએ છીએ. જેથી અમને ખેતીમાં પણ ખુબ સારો ફાયદો થાય છે.
 
બીજલભાઇ બોળીયાએ જણાવ્યું હતું કે અગાઉ અમારા પશુઓને રોગ થતાં તો અમારે ખાનગી ડોક્ટરો પાસે ખૂબ ખર્ચ વેઠવો પડતો પરંતુ હવે આ લાઉડ સ્પીકરની વ્યવસ્થાથી સરકારી પશુ કેમ્પ તેમજ પશુ રસીકરણની અમને આગોતરી જાણ થાય છે. જેથી અમારા પશુઓમાં મરણનું પ્રમાણ ઘટયું છે તેમજ અમારી આર્થિક બચત પણ થઇ રહી છે. 
 
તો બીજી તરફ વેપારી વિષ્ણુભાઈ વ્યાસ જણાવે છે કે સરકાર તેમજ કલેકટરના કોરોના અંગેના જાહેરનામાથી અમને આ વ્યવસ્થાથી અવગત કરાવાય છે, જેથી અમારે દુકાનો ક્યારે ખોલવી અને ક્યારે બંધ કરવી તેમજ કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવું વગેરે જેવી બાબતોની સરળ સમજ અમને મળતી થઇ છે.
 
‘અમારા સંતાનો માટે બેંકમાં શિષ્યવૃત્તિ માટેના ખાતા ખોલાવવા, ઓનલાઇન પરીક્ષા તેમજ હોમવર્કની સૂચના તેમજ પુસ્તક વિતરણ વગેરે જેવી શૈક્ષણિક સૂચનાઓ મળી રહેતા અમને ઘણી રાહત થઇ છે અને અમે નિશ્ચિંત બન્યા છીએ’, તેવું  કુરજીભાઈ પરમાર તથા રાજુભાઇ બોળીયા જણાવે છે.
 
આ અંગે ગામના સરપંચ વિક્રમભાઈ બારડ તથા ગામની શાળાના ઉપાચાર્ય પ્રવીણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે ગ્રામજનોએ પોતાના કોઠાસૂઝથી ઉભી કરેલ આ વ્યવસ્થા ગ્રામજનો માટે આજે “સર્વ જન હિતાય સર્વજન સુખાય” સાબિત થઇ રહી છે. વ્યવસ્થામા જ્યાં-જ્યાં જરૂર પડી ત્યાં મદદરૂપ થવા તેમજ માર્ગદર્શન આપવા બદલ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી પણ આભાર વ્યક્ત કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર