ભરતસિંહે ખુદના જોખમે અને ખર્ચે રાજયસભા ચૂંટણી લડવી પડશે

બુધવાર, 18 માર્ચ 2020 (16:32 IST)
ગુજરાતમાં રાજયસભાની રસપ્રદ બની રહેનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ‘બહાદુર-ચહેરો’ બતાવતા પૂરતા મતોનો અભાવ છતાં બન્ને બેઠકો લડવા માટે નિર્ણય લીધો છે અને પક્ષના રાષ્ટ્રીય નેતા તથા બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને પ્રથમ પસંદગીના મતા ફાળવાશે અને તેમની જીત નિશ્ચિત કરીને બાકીના મતો ભરતસિંહ સોલંકીને ફાળવી તેઓને જીત માટે જે ખૂટતા મતો હોય તે પોતાની રીતે હાંસલ કરવા માટે જણાવાયું છે.
કોંગ્રેસના મોવડીમંડળે અગાઉ યુપી કોંગ્રેસના નેતા રાજીવ શુકલાને બીજા ઉમેદવાર બનાવ્યા હતા પણ ભરતસિંહ સોલંકીએ બળવો કરીને અને પોતાના ટેકેદારોના શક્તિ પ્રદર્શનથી મોવડીમંડળ પર દબાણ લાવીને ખુદ માટે ટિકીટ પાકી કરી હતી. જેના કારણે કોંગ્રેસ માટે નવી સમસ્યા ઉભી થઈ હતી. એક તરફ ભાજપ દ્વારા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને રાજીનામા અપાવીને આ પક્ષના વિનીંગ મતો ઘટાડયા છે અને બીજી તરફ કોંગ્રેસમાં બે ઉમેદવાર જીતી ન શકે તેવી સ્થિતિ બનતા શક્તિસિંહને જીતાડવા કે ભરતસિંહને તે પ્રશ્ન આવી ગયો હતો.
ગઈકાલે દિલ્હીમાં પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડા સહીતના નેતાઓએ આ અંગે વાતચીત કરી હતી તેમાં શક્તિસિંહ અને ભરતસિંહ બંને હાજર હતા. મોવડીમંડળે શક્તિસિંહ પર પસંદગી ઢોળી છે તેઓને કોંગ્રેસના પ્રથમ પસંદગીના મતો ફાળવીને તેનો વિજય નિશ્ચિત કરાશે જયારે બાકીના મતો ભરતસિંહ માટે ફાળવીને તેઓને જીત માટે જે જરૂરી હોય તે મતો પોતાની રીતે બીટીપી તથા અપક્ષ ઉપરાંત ભાજપમાં જો ભંગાણ પાડી શકે તો તેની પણ ખુલ્લી છૂટ આપી છે. આમ ભરતસિંહે પોતાના ખર્ચે અને જોખમે રાજયસભા ચૂંટણી લડવી પડશે. કોંગ્રેસને ભાજપને વોકઓવર નહી આપવા નિર્ણય લીધો છે હવે ભાજપ કઈ રીતે પરીસ્થિતિને લે છે તે રસપ્રદ બની જશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર