કોરોના વાઈરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે તમામ પર્યટન સ્થળો બંધ
બુધવાર, 18 માર્ચ 2020 (14:05 IST)
કોરોના વાઈરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. કોરોના વાઈરસને લઈ હાલ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના પર્યટન સ્થળોમાં અમદાવાદમાં કાંકરિયા, જૂનાગઢમાં સક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ, ટાઉનહોલ બંધ, રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ, દેવળીયા પાર્ક, ધારી અને સાસણ પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને લઈને ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ ત્રણ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે અંબાજી મંદિરના ૭, ૮ અને ૯ નંબરના ગેટ યાત્રિકો માટે બંધ કરી દેતા માઈભક્તો માટે શક્તિદ્વારથી પ્રવેશ અપાયો હતો. જીઆઈએસના ગાર્ડ સહિત મોઢા પર માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માત્ર એક ગેટથી જ પ્રવેશ કરી શકશે અને તે પણ અહીં હાથ ધોઈને પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. વિશ્ર્વના સૌથી ઊંચા એવા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ચાલુ રહેશે જોકે તેનું ઓનલાઇન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. અને નર્મદામાં જંગલ સફારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ૨૯ માર્ચ સુધી કોરોના વાઈરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં પણ એડવાન્સ બુકિંગ કેન્સલ થયા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટનું મુખ્ય બુકિંગ હાઉસમાં ૪૦૦ જેટલા આવાસોનું બુકિંગ થાય છે ત્યાં ૧૦૦થી વધુ બુકિંગ કેન્સલ થયા અને તે પણ ખાલીખમ જોવા મળ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ યાત્રિકોની તકેદારીના ભાગરૂપે પોતાના સ્ટાફને માસ્ક પહેરવા, હાથ ન મિલાવવા, સહિતની સૂચનાઓ આપી હતી. કોરોના સામે લડવા માટેની રણનીતિ બનાવવા વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉચ્ચસ્તરીય બેઠકો બોલાવી હતી.