રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે ફરી એકવાર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને જ મત આપશે. આ તરફ,મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી ગુજરાત એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યુ છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસના ઉમેદવારની સાથે રહેશે. જો કાંધલ જાડેજા પક્ષના વ્હિપનો અનાદર કરશે તો,પક્ષ કાર્યવાહી કરશે.આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલા જ એનસીપીમાં અંદરોઅંદર ડખાં ઉભા થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં એક એક મત માટે રાજકીય ગોઠવણો પડી રહી છે ત્યારે આજે એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કાંધલ જાડેજાએ સ્પષ્ટ કહ્યું કે, મારા કુતિયાણા મત વિસ્તારના કામોને આગળ ધપાવવા માટે ભાજપને મત આપીશ. કાંધલ જાડેજાના આ નિર્ણયને પગલે કોંગ્રેસની વધુ એક આશા પર પાણી ફરી વળ્યુ છે. સાથે સાથે એનસીપી-ગુજરાતના વડા શંકરસિંહ વાઘેલાના આદેશનો ય અનાદર કરશે કેમકે,શંકરસિંહ વાઘેલા સ્પષ્ટ કરી ચૂક્યાં છેેકે, રાજ્યસભાની ચૂંટણીમા એનસીપી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે. હવે જયારે કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યોનુ સંખ્યાબળ છે ઉપરાંત અપક્ષ ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીનો ય સાથ મળશે તે જોતાં અત્યારે 69 ધારાસભ્યોના મત આધારે રાજ્યસભાની બે બેઠકો જીતવી આસાન નથી. જો બીટીપીના બે ધારાસભ્યો કોંગ્રેસને મત આપે તો હજુય ઉજળી તક છે. આ તકને જોતાં ભાજપે અત્યારે એનસીપીનો એક મત મેળવીને ખેલ પાડી દીધો છે.હવે ભાજપની નજર બીટીપીના બે ધારાસભ્યો પર મંડાઇ છે. એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ એવી પ્રતિક્રિયા આપી છેકે, જો કાંધલ જાડેજા પક્ષ વિરૂધૃધ મત આપશે તો પક્ષ જરૂરી કાર્યવાહી કરશે. પક્ષ કોંગ્રેસના ઉમેદવારને મત આપવા મેન્ડેટ આપશે. એવુ ય અનુમાન છેકે, પક્ષના અનાદર બદલ કાંધલ જાડેજાને એનસીપીમાં સસ્પેન્ડ કરાશે. અત્યારે શરદ પવાર સહિતના નેતાઓના દબાણથી કાંધલ જાડેજાને મનાવવા નિષ્ફળ પ્રયાસો થઇ રહ્યાં છે.