છોટાઉદેપુર જિલ્લામાં અને અડીને આવેલા મધ્યપ્રદેશમાં હોળીના સપ્તાહ અગાઉ યોજાય છે ભંગુરીયાનો મેળો

શનિવાર, 4 માર્ચ 2023 (07:49 IST)
છોટાઉદેપુર જિલ્લો એ પૂર્વપટ્ટીનો આદિવાસીબહુલ જિલ્લો છે. એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો સાચવીને બેઠો છે. અહીંના આદિવાસી સમાજની ઉત્સવપ્રિયતા જગજાહેર છે. અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો ઉત્સવ છે. છોટાઉદેપુર જિલ્લામાં અને જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાં હોળીના એક સપ્તાહ અગાઉ ભરાતા ભોંગર્યા હાટમાં અહીંના આદિવાસી સમાજની વિશિષ્ટ સામાજીક અને સાંસ્કૃતિક વિરાસતના દર્શન થાય છે.
ભંગુરીયા હાટની શરૂઆત કઇ રીતે થઇ એ અંગે જુદા જુદા મત મતાંતરો પ્રવર્તે છે પરંતુ લોકમુખે ચર્ચાતી વાતો મુજબ મધ્યપ્રદેશમાં ભીલ રાજાની ભગોર નામની પ્રસિદ્ધ રિયાસત હતી. સૌપ્રથમ ભગોર રિયાસતના કુસુમોર ડામોર નામના  ભીલ રાજાએ તેના રાજયમાં ભીલ સમુદાય માટે  ભોંગર્યા હાટની શરૂઆત કરી હતી. સમયાંતરે હોળીના એક સપ્તાહ અગાઉ યોજાતા આ વિશિષ્ટ હાટને ભોંગર્યા હાટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભગોર રિયાસત વર્તમાન સમયમાં મધ્યપ્રદેશના  ઝાબુઆ જિલ્લામાં એક નાનકડા ગામ ભગોરમાં તબદીલ થઇ ગઇ છે.
જે તે સમયે આદિવાસી સમાજ પાસે ન હતા પૈસા કે ન હતા મોટા મોટા બજારો. રાજાએ પોતાના આદિવાસી સમુદાયને એક જગ્યાએ એકત્રિત કરી એક હાટની વ્યવસ્થા વિકસિત કરી જેથી આ હાટમાંથી આદિવાસી સમુદાય પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓનો વિનિમય કરી શકે. આ જ જગ્યાએ હોળીના ઉત્સવ નિમિત્તે આદિવાસી સમુદાય એકત્રિત થઇ પોતાની આવશ્યકતા અનુસારની સુખ સગવડતાની ચીજવસ્તુઓના આદાન પ્રદાન થકી પોતાની જરૂરિયાતોને પુરી કરતા હતા. ભગોર રિયાસતથી શરૂ થયેલા ભંગુરીયા હાટથી પ્રેરાઇને આસપાસના અન્ય ભીલ રાજાઓએ પણ પોત પોતાની રિયાસતમાં ભોંગર્યા હાટ શરૂ કર્યા હોવાનું મનાય છે. 
 
છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા પાણીબારવાળા જણાવે છે કે, ભંગુરીયાએ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે. જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલના તાલે નાચકૂદ કરીને હોળી પૂર્વેના ભોંગર્યા હાટની મોજ માણતા હોય છે.
Bhanguria Mela
ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી, ચાંદીના કલ્લાં (કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના  કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન), ચાંદીની કિકરી, કહળો (કંદોરા) વગેરે આભૂષણોથી સજ્જ થઈને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.
 
એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગ ના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભોંગર્યા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!
 
ભંગોરીયા હાટમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે, અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે. હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા-ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં-પાળીયાં સાથે ગામેગામ થી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ  લૂટતા હોય છે. ભંગોરીયા હાટએ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટેનું માધ્યમ છે.
 
છોટાઉદેપુર જિલ્લાના  આદિવાસી ઓ અને મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લા ના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી ઓ ખાસ કરીને રાઠવા આદિવાસી ઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના આદિવાસી ઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકે ની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયમાંથી આવતા હોય જેથી  તેઓ ની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી-કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે. 
 
છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. ભંગોરીયા હાટમાં મધ્યપ્રદેશના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશના ભંગોરીયા હાટમાં પણ ઉમટી પડતી હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર