બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી વર્ષો સુધી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં દિપોત્સવી પર્વે લાખો ભક્તો ચોપડા પૂજન વિધિમાં જોડાતા હતા. એ જ શૃંખલામાં વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં દીપોત્સવી પર્વની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે.
આગામી વર્ષમાં કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે એવી પ્રાર્થના સાથે દર વર્ષે ભક્તો પોતાના આર્થિક હિસાબો લખવા માટેના ચોપડાઓ પર ભગવાનની દ્રષ્ટિ કરાવે તેમજ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષનો વ્યાવહારિક કાર્યોનો પ્રારંભ કરે તેવી ચોપડાપૂજનની ભારતીય સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરા અનુસાર બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત સૌ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
તા: 26 ઓક્ટોબર, બુધવારે, નૂતનવર્ષના દિને સવારે 9:30 થી સાંજના 7 વાગ્યા સુધી ઠાકોરજી સમક્ષ યોજાનાર ભવ્ય અન્નકૂટના BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગમાં દર્શન થશે.
વિશેષતઃ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી, 2023 સુધી અમદાવાદમાં યોજાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે દેશ વિદેશના લાખો હરિભક્તોમાં આ મહોત્સવનો લાભ લેવા તથા તેમાં સેવામાં જોડાવા અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.