રક્ષાબંધનના તહેવાર ટાણે સુરતના માર્કેટમાં ધૂમ મચાવે છે બચપન કા પ્યાર, જાણો શું છે આ નવું નજરાણું

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (17:30 IST)
રક્ષાબંધનના આ તહેવારમાં સુરતમાં જોવા મળી છે અનોખી મીઠાઈ. આ વર્ષે મીઠાઇની એક દુકાનમાં નવી અનોખી મીઠાઈ જોવા મળી છે. સોનાની મીઠાઈ છેલ્લાં ત્રણ વર્ષથી ચર્ચામાં રહી છે. આ વર્ષે સોનાની મીઠાઈની સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમ અને હાલમાં જ ખૂબ ચર્ચામાં રહેલું 'બચપન કા પ્યાર' ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે.

ભાઈ-બહેનના બાળપણના પ્યારની યાદ આપે એવી મીઠાઈ બનાવી છે, જે ખૂબ આકર્ષણ જગાવી રહ્યું છે. દિવાળી હોય કે રક્ષાબંધન, કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરો છે. મીઠાઈથી મોઢું મીઠું કરાવતાં જ તહેવારનો આનંદ બમણો થઈ જતો હોય છે. કોરોના વચ્ચે આ વર્ષે ભાઈ-બહેનનો પવિત્ર રક્ષાબંધનો તહેવાર ઊજવવા મળશે, જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આ વર્ષે માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી છે.

હાલમાં જ ખૂબ જ પ્રખ્યાત થઇ ચૂકેલા અને લોકોના જીભે વળગી રહેલા 'બચપન કા પ્યાર' ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે.સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમની બચપન કા પ્યાર નામથી મીઠાઈનું વેચાણ જોવા મળી રહ્યું છે, જેમાંથી બચપન કા પ્યાર મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ મીઠાઈ ખાસ ભાઈ-બહેન વચ્ચેનો બાળપણનો પ્રેમ અને એની યાદો ફરી તાજી થાય એ પ્રકારે બનાવી છે. મીઠાઈ વેચનાર રાધાબહેને જણાવ્યું હતું કે વર્ષો પહેલાં બબલ્સની એક ચ્યુઇંગ ગમ આવતી હતી, જે હવે નથી મળતી અને એનો જે સ્વાદ હતો એ સ્વાદ સાથેની મીઠાઈ બનાવી છે, જે નામ 'બચપન કા પ્યાર' નામ આપવાનું નક્કી કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર