Third Wave - 5 મહિનાના બાળકનુ કોરોનાથી મોત થતા શહેરીજનોમાં ફફડાટ

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (17:25 IST)
છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસ ઘટતા-ઘટતા કેટલાક શહેરોમાં શૂન્ય આવી જતા અને વધુમાં વધુ લોકોએ વેક્સીનેશન કરાવી લેતા કોરોનાના સંક્રમણને લઈને લોકો બેદરકાર બની ગયા છે. તહેવારોની ઋતુ વચ્ચે બજારમાં ટોળેટોળા જોવા મળી રહ્યા છે. લોકો તહેવારને લઈને એટલા ઉત્સાહિત થઈ ગયા છે કે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કને લઈને બેદરકારી બતાવી રહ્યા છે. આવામાં સૌને સચેત કરતી એક ઘટના રાજકોટમાં બની છે. 
 
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટે કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં નિષ્ણાતોના મતે ત્રીજી લહેર ત્રાટકવાનો અંદાજ છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં નાના બાળકોને વધુ અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવેલા પાંચ મહિનાના બાળકનું 32 કલાક ની સારવાર બાદ આજે મૃત્યુ નીપજયું હતું.
 
આ બાળક કોરોનાથી સંક્રમિત થયું હતું અને તેને લંગ ઇન્ફેક્શન થઇ જતા પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ત્યારબાદ ગંભીર હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેનું આજે મૃત્યુ થયું છે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રો જાહેર કર્યું છે. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે કોરોના હજુ આપણી વચ્ચે જ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર