નિષ્ઠુર માતાએ બે દિવસની નવજાત બાળકીને ટ્રેનમાં બેગમાં મૂકી ત્યજી દીધી

સોમવાર, 4 માર્ચ 2024 (17:35 IST)
-ટ્રેનમાં ટ્રાવેલ બેગમાંથી મળી બાળકી 
-મુસાફરોએ બાળકીના રડવાનો અવાજ સાંભળતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી
-અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6

 
એક નિષ્ઠુર માતાએ બે દિવસની નવજાત બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેગમાં મૂકી ત્યજી દીધી છે. મુસાફરોએ બાળકીના રડવાનો અવાજ સાંભળતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને આરપીએફ બંને ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. નવજાત બાળકી મળી આવતા તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. બાળકીને સારવાર તેમજ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ઉપર ઊભેલી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાંથી એક નવજાત બાળકીના રડવાનો અવાજ મુસાફરોને આવ્યો હતો જેથી મુસાફરો એ ટ્રેનના ડબ્બામાં તપાસ કરતા એક બેગ હતી. કોઈ અજાણી વ્યક્તિએ બેગના થેલામાં ગરમ શાલમાં બાળકીને વીંટાળી મૂકી દીધી હતી. બાળકીને જોતા જીવિત હાલતમાં હતી. જેથી તાત્કાલિક ધોરણે રેલવે પોલીસ અને આરપીએફની ટીમને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસનો સ્ટાફ તાત્કાલિક ટ્રેનમાં પહોંચ્યો હતો.રેલવે પોલીસે જોયું તો બાળકીને ડાયપર પહેરાવેલું હતું અને ગરમ શાલ ઓઢાડવામાં આવેલી હતી. ઠંડી નો સમય હતો અને બાળકીને ત્યજી દેવામાં આવતા પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. શહેર કોટડા લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT પ્રદિપસિંહ ત્યાં પહોંચ્યા હતા. બાળકીને તેઓએ તપાસી ત્યારે તેની હાલત સારી હતી. જોકે તેને ખુલ્લામાં તેજી દેવામાં આવી હતી. જેના કારણે વધુ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. બાળકીને હાલ 1200 બેડ હોસ્પિટલ માં આવેલા ઘોડિયા ઘરમાં રાખવામાં આવી છે અને તેની તબિયત સ્થિર હાલતમાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર