ગુજરાતમાં એપ્રિલ રહેશે સૌથી ભારે, કાળઝાળ ગરમીની આગાહી

શનિવાર, 2 એપ્રિલ 2022 (12:46 IST)
ગુજરાતમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એપ્રિલ મહિનો સૌથી વિકરાળ રહેવાનો છે, લોકો અત્યારથી કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી લોકોને ડરાવી રહી છે. હવામાન વિભાગે રાજ્યના લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચન પણ આપી દીધું છે.
 
હવામાન વિભાગની કાળઝાળ ગરમીની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અને આવતી કાલે ભારે હીટવેવ રહેશે. વિકેન્ડનો સમય હોવાથી લોકો ગરમીથી બચવા માટે હિલસ્ટેશનો, વોટરપાર્ક જેવા સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે હવામાન વિભાગે જ લોકોને કામ વગર બહાર ના નીકળવાની સલાહ આપી છે. રાજ્યમાં ભારે હીટવેવની સૌથી વધુ અસર કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર, મહેસાણા, અમદાવાદમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર