રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કોરોનાની સારવાર ખર્ચમાં મળશે મોટી રાહત

બુધવાર, 12 મે 2021 (19:44 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. 
 
મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે.
 
મુખ્યમંત્રીએ સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.
 
વિજય રૂપાણીએ આ અદના કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને એવો પણ નિર્ણય કર્યો છે કે સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર