અમૂલ એ સહકારી મોડલ અને મહિલા સશક્તિકરણની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ
રવિવાર, 28 નવેમ્બર 2021 (17:51 IST)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સનું ઉદઘાટન કર્યું
શ્રી શાહે ગાંધીનગર સ્થિત અમૂલફેડ ડેરી ખાતે નવા બટર ઉત્પાદન પ્લાન્ટ તથા અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાનું પણ ઉદઘાટન કર્યું
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે ગાંધીનગર ખાતે અમૂલફેડ ડેરી ના નવા દૂધ પાઉડર પ્લાન્ટ, પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂ. 415 કરોડનું રોકાણ કરાયું છે.
આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવેલ છે જે જીસીએમએમએફનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. આ નવો પ્લાન્ટ 24x7 કાર્યરત રહે તે રીતે રૂ. 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે. આ પ્લાન્ટ રૂ. 85 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે. અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધા જે રૂ. 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને લાંબાગાળા સુધી બગડે નહીં તેવા 50 લાખ લિટર દૂધને કાર્ટન પેકેજિંગમાં ખૂબ મોટા જથ્થામાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે.
કેન્દ્રીય સહકાર મંત્રી ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 ટન થઈ છે, જે તેને ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવે છે. આ નવા વિસ્તરણ માટે રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.
ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું કે આ નવા પ્રોજેક્ટ સ્થાપિત કરીને અમૂલે તેના ત્રણ આધાર સ્તંભ મજબૂત કર્યા છે.
શ્રી શાહે કહ્યું, “36 લાખ ડેરી ખેડૂતો દ્વારા દૂધ પ્રાપ્તિ, દૂધ અને દૂધના ઉત્પાદનોની પ્રક્રિયા અને લાખો ગ્રાહકોને અંતિમ ઉત્પાદનનું માર્કેટિંગ એ અમૂલના ત્રણ આધારસ્તંભ છે. અમૂલે આ નવા પ્રોજેક્ટ્સ સાથે ત્રણેય સ્તંભોને મજબૂત કર્યા છે” તેમણે અમૂલને સહકારી મોડલ અને મહિલા સશક્તિકરણની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું.
સહકારી મોડલ એ ભારત માટે આદર્શ આર્થિક મોડલ છે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું, “અન્ય મોડલ 2, 10 અથવા 20 કરોડની વસ્તી ધરાવતા દેશોમાં કામ કરી શકે છે, પરંતુ માત્ર સહકારી મોડલ જ વિકાસને 130 કરોડ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. તે દરેકને વૃદ્ધિમાં ભાગીદાર બનાવી શકે છે,” તેમણે પુનરોચ્ચાર કર્યો અને અમૂલને આગામી 25 વર્ષ પછી જ્યારે તે 100 વર્ષનું થશે ત્યારે તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય સહકાર મંત્રીએ એમ પણ કહ્યું કે ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે, અને GCMMF મેનેજમેન્ટને વિનંતી કરી કે તેઓ ઓર્ગેનિક ઉત્પાદનોના પરીક્ષણ, વિતરણ અને માર્કેટિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મદદ કરે જેથી તેઓ ઝડપથી અપનાવી શકે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપ્યો છે. ડેરીના લાખો સભ્યોના જીવનમાં સમૃદ્ધિ લાવી અમૂલ આ મંત્રનું મૂર્ત સ્વરૂપ બની ગયું છે. અમૂલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સફળતામાં પણ અપ્રતિમ ફાળો આપ્યો છે.
તેમણે અમૂલને ગુજરાતનું એક અમૂલ્ય રત્ન ગણાવ્યું, જેણે રાજ્યને વૈશ્વિક ઓળખ આપી છે. તેમણે ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે અમૂલની પ્રશંસા કરતા કહ્યું કે તે દૂધ અને માખણનો પર્યાય બની ગયો છે.
આ પ્રસંગે વિવિધ જિલ્લાની પ્રગતિશીલ મહિલા ડેરી ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
અગાઉ, જીસીએમએમએફના ચેરમેન શામલભાઈ પટેલે જણાવ્યું હતું કે ફેડરેશન તેનું ટર્નઓવર વર્ષ 2020-21માં 53,000 કરોડથી વર્ષ 2025 સુધીમાં 1 લાખ કરોડ બમણું કરવા પ્રતિબદ્ધ છે.
"અમે અમૂલની પ્રવૃત્તિઓને ગુજરાતમાં અને બહારના પ્રદેશોમાં વિસ્તારવા માંગીએ છીએ જેથી કરીને સમૃદ્ધિ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અમે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં યોગદાન આપી શકીએ," તેમણે કહ્યું.
જીસીએમએમએફના ચેરમેને મુખ્યમંત્રીને અમૂલફેડ ડેરી 2 માટે જમીન ફાળવવા વિનંતી કરી, જેનું આયોજન રાજકોટ નજીક છે. તેમણે જણાવ્યું હતું કે, દૈનિક 20 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ડેરી સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
અમૂલફેડ ડેરી દૂધની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં આઇસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, લસ્સી, છાશ, માખણ, બેબી ફૂડ, ડેરી વ્હાઇટનર, દૂધ, દહીં અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તે ગુજરાતમાં ડેરી સહકારી સંસ્થાઓ માટેના સર્વોચ્ચ રાજ્ય સ્તરીય માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફનો એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
અમૂલ ફેડરેશનએ 18 જિલ્લા દૂધ સંઘો, 18563 ગ્રામ સ્તરની દૂધ સહકારી મંડળીઓ અને 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક સભાસદો સાથે મળીને ભારતમાં સૌથી મોટું ડેરી સહકારી સંગઠન છે. આ ફેડરેશન દેશનું સૌથી મોટું ખાદ્ય સંગઠન છે જેનું ગ્રૂપ ટર્નઓવર વર્ષ 2020-21માં રૂ. 53,000 કરોડ જેટલું હતું અને અમૂલ જૂથ તેને વર્ષ 2025 સુધીમાં રૂ. 1 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.
અમૂલ ફેડરેશન પાસે 87 જેટલા ડેરી પ્લાન્ટ્સ છે, જેની કુલ દૂધ સંચાલન ક્ષમતા દરરોજ 39 મિલિયન લિટર છે. ગુજરાતમાં તેના વ્યાપક નેટવર્ક ઉપરાંત અમૂલ ફેડરેશન દેશના અન્ય 13 રાજ્યોમાં પણ દૂધ સંપાદન કરે છે જેના માટે તેના કેટલાક સભ્ય દૂધ સંઘોએ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પણ સ્થાપી છે.
આ ઉદઘાટન પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર ડો આર એસ સોઢી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.