આવતીકાલે અમિત શાહ નારણપુરા જ્યારે પ્રદીપસિંહ વસ્ત્રાલ તથા મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં મતદાન કરશે
શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (16:52 IST)
આવતીકાલ 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાન થશે. દરેક મતદાર મતદાન કરતા હોય છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારો પણ મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક નેતાઓ અમદાવાદમાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં આવેલ મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કરવા જશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલ વિસ્તારમાં માધવ સ્કૂલમાં મતદાન કરવા જશે. તે ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર 10માં મતદાન કરશે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં વોર્ડ નંબર 20માં સવારે 9 કલાકે મતદાન કરશે.
વડાપ્રધાન મોદી મત આપવા નહીં આવે
જ્યારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આંબાવાડી ખાતે સી.એન વિદ્યાલયમાં મતદાન કરશે. પૂર્વ મેયર બીજલબેન પટેલ પાલડી ખાતે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પૂર્વ નેતા અમિત શાહ વાસણા ખાતે મતદાન કરશે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતાધિકાર ધરાવતા હોવાથી તેઓ વિધાનસભા અને લોકસભામાં રાણીપ નિશાન સ્કૂલ ખાતે મત આપવા આવે છે પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ મત આપવા નહીં આવે.