કેશોદમાં આઠ કલાકથી વીજપોલના સહારે રહેલા બે નાગરિકોને એરફોર્સે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કર્યા

શનિવાર, 1 જુલાઈ 2023 (23:19 IST)
બંને નાગરીકોને હેલિકોપ્ટર દ્વારા જામનગર એરફોર્સ ખાતે લઈ જઈ મેડિકલ ચેકઅપ હાથ ધરાયું
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ યથાવત છે
 
Keshod News -  ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધમરોળી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વિસાવદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. નદી નાળા છલકાઈ જવાથી ગામડાઓમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કેશોદના સુત્રેજ ગામમાં વરસાદને કારણે આવેલા પુરમાં ફસાયેલા બે નાગરિકો આઠેક કલાકથી વીજળીનો થાંભલો પકડીને પોતાનો બચાવ કરી રહ્યાં હતાં. ત્યારે જામનગર એરફોર્સના જવાનોએ હેલિકોપ્ટરથી તેમનું રેસ્ક્યૂ કર્યું હતું. 
 
સલામત રીતે રેસ્ક્યૂ કરીને જામનગર શિફ્ટ કર્યા
એરફોર્સના જવાનોએ બંને નાગરિકોને સલામત રીતે રેસ્ક્યૂ કરીને જામનગર શિફ્ટ કર્યા છે. બંને નાગરિકો છેલ્લા આઠ કલાકથી વીજળીના થાંભલા પર ચીપકીને ઉભા હતાં. બંને નાગરિકોને હાલમાં જામનગર એરફોર્સ ખાતે લઈ જઈ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘણા ગામોમાં પાણી ઘૂસ્યા છે, તો ઘણા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યારે કેશોદ તાલુકાનું સુત્રેજ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે.જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ યથાવત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર