બસ અને કારની વચ્ચે આવી જતાં વૃદ્ધ મહિલાનું મોત, ડ્રાઇવર ફરાર

સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:26 IST)
આજે વહેલી સવારે અમદાવાદના નારણપુરામાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધ મહિલા કાર અને બસની વચ્ચે આવી જતાં ચગદાઇ ગઇ હતી. ઓલા કેબનો ડ્રાઇવર અકસ્માત બાદ ઘટનાસ્થળે જ કારી છોડીને નાસી છૂટ્યો હતો. 
 
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જય મંગલ મુખ્ય માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે ગણપત યુનિવર્સિટીની બસ રોડ પર ઉભી હતી તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી ઓલા કેબની કાર સીધી જ બસમાં ઘૂસી ગઈ હતી. પણ આ બંને વાહનોની વચ્ચે એક વૃદ્ધ મહિલા આવી જતાં ચગદાઇ ગઇ હતી અને તેનું મોત નિપજ્યું છે. આ 60 વર્ષીય વૃદ્ધ મહિલા સમર્પણ ટાવરમાં રહે છે. 60 વર્ષીય હર્ષા બહેન સંઘવી સવારે રોડ ઓળંગીને દૂધ લેવા જતા હતા. ત્યારે ઉભેલી બસની પાછળ જઈને પસાર થતા હતા, એવામાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બસ પાછળથી ટક્કર મારી હતી જેમાં કાર અને બસની વચ્ચે હર્ષાબેન આવી જતાં તેમનું મોત નિપજ્યું હતું.
 
આ ઘટનામાં બસને થોડું નુકશાન થયું હતું, પરંતુ  આ સાથે જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો ઓલા કેબ ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પણ અમદાવાદમાં અનેક રસ્તા વિચિત્ર હોવાથી અકસ્માતના બનાવો રોકાવાનું નામ નથી લેતો.
 
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ પ્રથમ્વાર અકસ્માત સર્જાયો નથી. અહીંયા અવાર-નવાર અકસ્માત થાય છે. બમ્પ નથી અને રોડ વચ્ચે જ ટાવર આવેલા છે. નજીકમાં બ્રિજ હોવાથી લોકો પૂરઝડપે આવે છે અને તેને કારણે અકસ્માત થાય છે. અનેકવાર રજુઆત કરી પણ તંત્ર રોડની ડિઝાઇન સુધારવામાં રસ દાખવતું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર