આથી શહેરમાં યોજાનારા તમામ લગ્ન સમારંભોની યાદી મેળવી પોલીસ વર-કન્યાના પરિવારને રૂબરૂ મળી લગ્નમાં 400થી વધારે આમંત્રિતોને ન બોલાવવા સૂચના આપશે તથા રાત્રે 10 વાગ્યા પહેલાં પરિવાર, આમંત્રિતો, કેટરિંગ- ડેકોરેશનવાળા સહિતના લોકો ઘરે પહોંચી જાય તે રીતે લગ્નની વિધિ રિસેપ્શન કે જમણવાર પૂરા કરવાનું સમજાવશે. ઉત્તરાયણે કમુરતાં પૂરાં થતાં ત્યાર બાદ શહેરમાં મોટી સંખ્યામાં લગ્ન યોજાવાનાં છે. જોકે લગ્ન માટે વર-કન્યા પક્ષના સભ્યોએ 6થી 12 મહિના પહેલાંથી જ હોટેલ, ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, બેન્ડવાજા, ડીજે, કેટરિંગ, ડેકોરેશન સહિતનાં બુકિંગ કરાવી લીધાં છે, પરંતુ હાલ કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે કેટલાંક કડક નિયંત્રણો લાદ્યાં છે.