અમદાવાદમાં રહેતી પત્ની જમવાનું નથી આપતી, બિભત્સ ગાળો બોલે છે અને માતા પિતાને મારી નાંખવાની ધમકી આપે છે

ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (12:01 IST)
પતિએ પત્ની સામે ત્રાસ ગુજાર્યા અંગેની અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
 
પતિ અને પત્ની વચ્ચે અનેક વખત બોલાચાલી થતી હોય છે અને તેનું સમાધાન ઘરમાં જ થઈ જતું હોય છે. કેટલાક એવા બનાવો હોય છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા હોય છે. મોટા ભાગના બનાવોમાં પત્ની પોતાના પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતી હોય છે. પરંતુ અમદાવાદમાં આનાથી વિપરિત એક કિસ્સો બન્યો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા પતિએ પોતાની પત્ની સામે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ કરી છે. 
યુવકે 2011માં મહેસાણાની એક મહિલા સાથે પરિવારની સંમતિ વિના લગ્ન કર્યાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક યુવકે 2011માં મહેસાણાની એક મહિલા સાથે પરિવારની સંમતિ વિના લગ્ન કર્યાં હતાં. લગ્નના શરૂઆતના સમયમાં મહિલા પોતાના પતિના ઘરે હળીમળીને સારી રીતે રહેતી હતી. પરંતુ કેટલાક વર્ષ બાદ તે ઘરમાં નાની નાની બાબતોમાં ફરિયાદો કરીને સાસુ સસરા સાથે ઝગડો કરતી હતી. 2016માં સાસુ સસરા પોતાના પુત્ર સાથે રહેવા ગયાં હતાં. ત્યાં પણ વહુ તેમને હેરાન કરતી હતી. પતિને પત્ની બે ત્રણ દિવસ સુધી જમવાનું બનાવી આપતી નહોતી. જેથી ફરિયાદી અને તેમનો પુત્ર આસપાસના પાડોશીઓને ત્યાં જમવા માટે જતાં હતાં. 
સાસુને વાળ ખેંચીને મારી નાંખવાની ધમકી આપતી હતી
ઘરમાં સાસુ પોતાના પતિ અને દિકરા માટે જમવાનું બનાવતાં તો પત્ની તેમના વાળ ખેંચીને માર મારતી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. ત્યારે પતિ દ્વારા આજીજી કરતાં તે સાસુને છોડી દેતી હતી. ત્યાર બાદ ગત 4  ફેબ્રુઆરીએ પત્નીએ ચોથા માળેથી પાણીની બોટલ નીચે નાંખી દેતાં ફરિયાદીએ આ અંગેનું કારણ પૂછતાં પત્નીએ બિભત્સ ગાળો આપીને લાફા ઝિંક્યા હતાં. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર