Ahmedabad Hot spot- કોરોનાના સૌથી વધુ કેસ નોંધાતા અમદાવાદ હોટ સ્પોટ જાહેર કરાયું

બુધવાર, 1 એપ્રિલ 2020 (16:08 IST)
રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 8 કેસો પોઝિટિવ આવ્યા છે જે તમામ અમદાવાદના છે. સૌથી વધુ 31 કેસો અને ત્રણ મોત અમદાવાદમાં નોંધાતા હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં પોઝિટિવ કેસોનો સતત વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કેસો વધતા પોઝિટિવ કેસો જ્યાં નોંધાયા છે એવા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.
હજી કેસોમાં વધારો થવાની સંભાવના જણાય છે. અમદાવાદમાં આસ્ટોડિયા, આનંદનગર, બોપલ થી બાપુનગર, શાહપુર, ચાંદખેડા સહિત 12 વિસ્તારો કોરોના સંક્રમણના કેસો જોવા મળ્યા છે. તેથી કહી શકાય કે શહેરમાં હવે જે મોટાભાગના કેસો બહાર આવી રહ્યાં છે તે લોકલ સંક્રમણના છે.
આજે જે નવા કેસો જાહેર થયા છે તે અલગ અલગ અને નવા જ વિસ્તારમાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં આવેલા 31 કેસોમાં મોટા ભાગના લોકોની ઉંમર 50થી ઉપરની છે. ચાર જેટલા પોઝિટિવ કેસ એક જ પરિવારના લોકોને થયા હોય તેવું સામે આવ્યું છે જેથી કહી શકાય કે મોટાભાગના કેસો હવે લોકલ સંક્રમણ વધી રહ્યું છે.
અત્યાર સુધીમાં આસ્ટોડિયા, ગોમતીપુર, આનંદનગર, શ્યામલ, સાઉથ બોપલ, વૈષ્ણોદેવી, સનાથલ જેવા વિસ્તારમાં કેસો સામે આવ્યા હતા પરંતુ આજે સવારે જે નવા 8 કેસો સામે આવ્યા છે એ બાપુનગર, ચાંદખેડા, શાહપુર, રાયપુર અને કાલુપુર જેવા વિસ્તારમાંથી આવ્યા છે જેથી હવે આ કેસો એક જ વિસ્તારમાં નહિ સમગ્ર અમદાવાદમાં ફેલાઈ રહ્યા છે. અમદાવાદમાં 4 દર્દીઓ પણ સાજા થઈને ઘરે ગયા છે.
અમદાવાદમાં ધીરે ધીરે કેસો વધ્યા છે અને અલગ અલગ વિસ્તારમાં સામે આવી રહ્યા છે જેથી હવે મોટો ચિંતાનો વિષય છે. વાઇરસને ફેલાતો રોકવા માટે સંપૂર્ણપણે લોકડાઉનનો અમલ જરૂરી છે પરંતુ અમદાવાદીઓ લોકડાઉનનો ચુસ્તપણે અમલ નથી કરી રહ્યા. કોઈના કોઈ બહાને લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. એકસાથે ચીજવસ્તુઓ લેવાની જગ્યાએ લોકો રોજ બહાર નીકળી રહ્યા છે. જો લોકડાઉનનો અને સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે હજી અમલ નહિ થાય તો કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
શહેરમાં સતત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા લોકોના સંપર્કમાં આવેલા અને વિદેશથી આવેલા ક્વૉરન્ટીન કરવામાં આવે છે. અમદાવાદમાં સૌથી વધુ 31 કેસો હોવાં છતાં ક્વૉરન્ટીન થયેલા લોકો માત્ર 2223 જ છે જ્યારે સુરતમાં 10 કેસ હોવા છતાં સૌથી વધુ ક્વોરન્ટીન 5386 લોકોને કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કેસો વધુ થયા છે તો લોકો પણ સંપર્કમાં આવ્યા હોવા જોઈએ અને તેઓને ક્વોરન્ટીન કરવા જરૂરી છે પરંતુ કોર્પોરેશન તંત્ર આ બાબતે નિષ્ફળ ગયું છે. 23 કેસો નોંધાયા બાદ મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર વિસ્તારમાં લોકોનો સર્વે કરાવવાનો શરૂ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર