રિવરફ્રન્ટ પર 2 કરોડના ખર્ચે અમદાવાદના મેયર માટે બનશે આલીશાન બંગલો

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (12:21 IST)
અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો રહેવા માટે મળશે. આ બંગલામાં તમામ આધુનિક સુવિધા, કોન્ફરન્સ રૂમ, મોટો ડાઈનિંગ રૂમ અને ગેસ્ટ રૂમ્સ હશે. આ બંગલો મોટેભાગે સાબરમતિ રિવરફ્રન્ટ પર 2 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ શુક્રવારે રજૂ કરેલા 6990 કરોડના બજેટમાં આ બંગલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અત્યારે મેયરનો બંગલો લૉ ગાર્ડન વિસ્તારમાં છે. બે માળના આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડરૂમ, હૉલ, નાની ઑફિસ અને રસોડુ આવેલુ છે. પહેલા ફ્લોર પર બે બેડરૂમ છે. 60 વર્ષ જૂનો આ બંગલો AMCના ટ્રાન્સપોર્ટ મેનેજરના સત્તાવાર ઘર તરીકે બનાવવામાં આવ્યો હતો પરંતુ 1980થી આ બંગલામાં શહેરના મેયરો જ રહે છે.હાલમાં મેયરનો જે બંગલો છે તેમાં કોન્ફરન્સ રૂમ નથી તેથી મીટીંગ યોજવામાં અને વીઆઈપી મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં મુશ્કેલી પડે છે. નવા ઘરમાં મોટો ડાઈનિંગ હૉલ હશે જેથી ખાસ મહેમાનોના માનમાં અહીં રિસેપ્શન ગોઠવી શકાશે. આ ઉપરાંત તેમાં મહેમાનો માટે ખાસ બેડરૂમની વ્યવસ્થા હશે.લૉ ગાર્ડનમાં હાલમાં જે બંગલો છે તેને કારણે મેયરને ઘરેથી કામ કરવું હોય અથવા તો ઈમર્જન્સીની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તકલીફ પડે છે. આ અંગે  મેયર ગૌતમ શાહે જણાવ્યું, અત્યારનો બંગલો ઘણો જૂનો છે અને તેમાં વિદેશથી આવતા મહેમાનોની આગતાસ્વાગતા માટે પૂરતી સુવિધા નથી. નવુ ઘર બે વર્ષમાં તૈયાર થઈ જશે અને શહેરના હવે પછીના મેયર તેમાં રહી શકશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર